રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election) વહેલી આવવાની ચાલી રહેલી અનેક અટકળો પર ભાજપ (Gujarat BJP) પ્રદેશ પ્રમુખે પૂર્ણવિરામ મુકી દીધું છે. આજે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે (C R Patil) ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે જણાવતા કહ્યું કે, ચૂંટણી નિયત સમયે જ યોજાશે. ચૂંટણી સુધી વિકાસલક્ષી કામો થતા રહેશે અને વિકાસ જ અમારો પહેલો મુદ્દો છે.
‘વિકાસ અમારો પહેલો મુદ્દો છે’
સી.આર પાટીલે આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, ડિસેમ્બરમાં ગુજરાતની ચૂંટણી આવવાની વાત છે. ત્યાં સુધી આવા કાર્યક્રમો ચાલતા રહેશે. લોકો સંપર્કમાં રહે, સામાન્ય લોકો સાથે નરેન્દ્ર મોદીનો જે લગાવ છે તે મજબૂત બને. વિકાસ અમારો પહેલો મુદ્દો છે. આ ઉપરાંત જે રીતે સરકાર કામ કરે છે મને નથી લાગતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે કોઇપણ ક્ષેત્રે કામ ન કર્યુ હોય. જેના કારણે લોકો ખુશ છે, પ્રભાવિત છે અને સમર્પિત પણ છે.
‘ભાજપનો કાર્યકર કાયમ ચૂંટણી માટે તૈયાર જ હોય’
નોંધનીય છે કે, 40,000 જેટલા કાર્યકર્તાઓની એકસાથે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે બેઠક કરી તેઓને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. ત્યારે પણ ચૂંટણી અંગેના સવાલમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા પાટીલે જણાવ્યું હતુ કે, ભાજપનો કાર્યકર કાયમ ચૂંટણી માટે તૈયાર જ હોય છે. આટલા વર્ષોમાં ભાજપ એટલા માટે જ તમામ ચૂંટણીઓ જીતતું આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેના નિયત સમયે ડિસેમ્બરમાં જ યોજાશે.
