તાજેતરમાં ગુજરાત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ (Gujarat State Traffic Branch) તરફથી ગૃહમંત્રીશ્રીના વરદ હસ્તે સમગ્ર રાજયમાં ટ્રાફિકની કામગીરી માટે ઇન્ટરસેપ્ટરવાન અને કેમ્પર વાહનની ફાળવણી કરવામાં આવી છે. જે અન્વયે મહીસાગર જિલ્લામાં પણ મહીસાગર પોલીસ અધિક્ષક આર.પી. બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ વિભાગના મોનીટરીંગ હેઠળ એક ઇન્ટરસેપ્ટરવાન અને એક કેમ્પર વાહન માર્ગ સલામતી માટે કાર્યરત કરવામાં આવી છે. વધુ સ્પીડના કારણે થતાં વાહન અકસ્માતના બનાવો અટકાવવા માટે આધુનીક રીતે તૈયાર કરવામાં આવેલ ઇનોવા ઇન્ટરસેપ્ટરવાનમાં અતિઆધુનીક લેસર સ્પિડગન PTZ કેમેરા, પબ્લીક એડ્રેસ સિસ્ટમ લગાડવામાં આવેલ છે.
જિલ્લા હેડક્વાટર ડીવાયએસપી હાર્દિકકુમાર પ્રજાપતિએ વાનમાં લગાવવામાં આવેલ આધુનિક ટેક્નોલૉજીની સિસ્ટમ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ ઇન્ટરસેપ્ટરવાન માર્ગ પર ઓવર સ્પીડની ચાલતા વાહનોને અંકુશમાં લેવા તેના ઉપર કાયદેસર ક્રાયવાહી કરવા અને તેના કારણે થતા અકસ્માત ઘટાડવા અને વાહન વ્યવહાર સરળતાથી ચાલે અને લોકોનો કિંમતી સમય બચાવી શકાય તે માટે કાર્યરત કરવામાં આવી છે. જેમાં લગાડવામાં આવેલ અતિઆધુનીક લેસર સ્પિડગન PTZ કેમેરા પબ્લીક એડ્રેસ સિસ્ટમની મદદથી ઓવર સ્પિડથી તેમજ ભય જનક રીતે વાહન ચલાવતા વાહન ચાલકોને પારદર્શક રીતે ટ્રેસ કરી દંડનીય કાર્યવાહી કરી શકાય છે.
થઇ શકે છે આટલો દંડ
આ વાનના પેટ્રોલીંગ દરમિયાન ઝડપાયેલ વાહનચાલકો વિરુધ્ધ મોટર વ્હીકલ એકટની કલમ 183 મુજબ ટુ-વ્હીલર માટે-1500, ફોર વ્હીલર માટે -2000/-, અન્ય ભારે વાહનો માટે- 4000/- ના દંડની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ તરફથી ટ્રાફિકની કામગીરીની સરળતા માટે તેમજ માર્ગ પર આકસ્મિક બનતી ઘટનાઓમાં આપત્તિ સમયે બચાવ અને રાહત કામગીરી માટે હાઇવે પેટ્રોલીંગ માટે બોલેરો કેમ્પર વાહન પણ ફાળવવામાં આવેલ છે. જિલ્લા ટ્રાફીક પી.એસ.આઇ એમ.બી.ખરાડી અને ટ્રાફીક પોલીસ ટીમ દ્વારા જિલ્લામાં આ બંને વાહનો કાર્યરત થતાં અનિયંત્રિત ગતિએ પૂરઝડપે ચલાવતા વાહનચાલકોની ગતિ નિયંત્રણમાં આવશે અને અકસ્માતો અટકાવવામાં મદદરૂપ થશે.