હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, હવે ભાજપમાં જોડાવાની તૈયારીમાં?
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની નેતાગીરી સામે ‘નારાજગી’ વ્યક્ત કરી ચૂકેલા હાર્દિક પટેલે (Hardik Patel) આખરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસમાં હાર્દિક પટેલ કાર્યકારી અધ્યક્ષ પદે હતો. તેની ફરિયાદ હતી કે પક્ષમાં તેને કોઈ પ્રકારની જવાબદારી સોંપવામાં નથી આવી. બીજી તરફ, હાર્દિક કોંગ્રેસ છોડીને વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાનો છે તેવી જોરદાર અટકળો હતી, તેવામાં તેણે આજે અચાનક જ ધડાકો કરતાં હવે તે ભાજપમાં જોડાય છે કે તેમ તેના પર સૌની નજર છે.
હાર્દિકે પોતાના રાજીનામાનો પત્ર ટ્વીટર પર શેર કર્યો હતો. તેણે લખ્યું છે કે તે હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છે. સાથે તેણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે તેના આ નિર્ણયનું ગુજરાતની જનતા સ્વાગત કરશે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકે થોડા દિવસો પહેલા પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પરથી કોંગ્રેસના હોદ્દાનો ઉલ્લેખ દૂર કર્યો હતો. તાજેતરમાં જ હાર્દિક રાહુલ ગાંધી સાથે એક કાર્યક્રમમાં સ્ટેજ પર જોવા મળ્યો હતો, પરંતુ રાહુલે તેની ધરાર અવગણના કરી હતી. આ ઉપરાંત, મોવડીમંડળે પણ હાર્દિકને ભાવ આપવાનું બંધ કરીને નિવેદનબાજી બંધ કરવા ટકોર કરી હતી.
હાર્દિકે રાજીનામામાં શું લખ્યું?
હાર્દિકે સોનિયા ગાંધીને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તેના અનેક પ્રયાસો બાદ પણ કોંગ્રેસ દ્વારા દેશહિત અને સમાજ હિતથી બિલકુલ વિપરિત કાર્ય કરવામાં આવી રહ્યું છે. તેણે લખ્યું છે કે દેશના યુવા એક સક્ષમ અને મજબૂત નેતૃત્વ ચાહે છે, જ્યારે પાછલા ત્રણ વર્ષમાં કોંગ્રેસ માત્ર વિરોધની રાજનીતિ પૂરતી મર્યાદિત રહી ગઈ છે. રામ મંદિર, NRC-CAA, કલમ 370 હટાવવા તેમજ GST લાગુ કરવાની બાબતોનો ઉલ્લેખ કરતા હાર્દિકે કહ્યું છે કે દેશ લાંબા સમયથી આ મુદ્દાનું સમાધાન ઈચ્છતો હતો જ્યારે કોંગ્રેસ તેમાં એક બાધા બનવાનું કામ કરતી રહી. આ સિવાય હાર્દિકે કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના મુદ્દાને નબળા બનાવ્યા હોવાનો આક્ષેપ પણ હાર્દિકે પોતાના રાજીનામામાં કર્યો છે.
2022ની વિધાનસભા ચૂંટણી લડવા માગે છે હાર્દિક
વિસનગરના કેસમાં થયેલી સજા પર ઉપલી કોર્ટે સ્ટે આપી દેતા હાર્દિક માટે હાલ ચૂંટણી લડવાનો રસ્તો સાફ થઈ ચૂક્યો છે. તે પોતે પણ જાહેરમાં કહી ચૂક્યો છે કે તે વિધાનસભા ચૂંટણી લડવા ઈચ્છે છે અને 2024માં આવતી લોકસભા ચૂંટણી લડવાની પણ તેની પૂરી ઈચ્છા છે. જોકે, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક ભાજપમાં ક્યારે જોડાય છે અને ત્યારબાદ પણ તેને ટિકિટ મળે છે કે કેમ તેનો જવાબ કદાચ હાલ હાર્દિક પટેલ પાસે પણ નથી.
- થરામાં દાખલ થયેલા હનીટ્રેપના પાંચેય આરોપીઓ ઝડપાયા – આ રીતે ફસાવતા હતા લોકોને.
- Patan : ખલીપુર નજીક રેલવેની અડફેટે આવી જતા અજાણ્યા યુવાનનું મોત
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!