- વિજય પરેડ બાદ મરીન ડ્રાઈવ પર ગંદકીના ગંજ
- મરીન ડ્રાઈવ પર 11 હજાર કિલો કચરાનો ઢગલો
- સાફસફાઈમાં 100થી વઘુ કર્મચારીઓ
- 2 ડમ્પર અને 5 જીપ ભરીને કચરો રિસાઈકલિંગ માટે મોકલ્યો
ટી20 વર્લ્ડ કપની ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમની ગુરુવારે (ચોથી જુલાઈ) મોડી સાંજે યોજાયેલી વિજય પરેડ દરમિયાન ઉમટી પડેલા ત્રણ લાખથી વધુ ક્રિકેટ પ્રેમીઓમાંથી કેટલાય લોકોના બૂટ ચંપલ, પાણીની બોટલો, નાસ્તાના પેકેટ્સના રેપર્સ, પર્સ, રૂમાલ સહિત 11 હજાર કિલોથી વધુ કચરો મરીન ડ્રાઈવ પર જમા થયો હતો. બીજા દિવસે સવારે મોર્નિંગ વોક પર નીકળેલા નાગરિકો આ કચરાના થર જોઈ હેબતાઈ ગયા હતા. જો કે, મહાપાલિકાની ટીમે સફાઈ અભિયાન હાથ ધરી આ કચરો સાફ કર્યો હતો. આ માટે સાત વાહનોની જરૂર પડી હતી.
સમારોહ પૂર્ણ થયા પછી જ્યારે ભીડ ઓસરી ત્યારે ત્યારે ગંદકી અને કચરાના ઢગ ચોમેર ખડકાયેલા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં જૂતા- ચપ્પલ, કપડાંના ટુંકડા, ચિપ્સના રેપર્સ, પાણીની અને ઠંડાપીણાની બોટલો, થેલીઓ, કપ, ટોપી તથા બેનર્સ સર્વત્ર પડેલા જોવા મળ્યા હતા…..આટલી જંગી ભીડના કારણે દરરોજ કરતાં અનેકગણો કચરો થશે તેવો ખ્યાલ આવી જવાથી મહાપાલિકાની ટીમ ગઈ મધરાતે જ સફાઈ માટે પહોંચી હતી. પરંતુ જે પ્રમાણમાં અને રસ્તાની બંને બાજુએ જે રીતે કચરો વિખેરાયેલો હતો તેમાં આખી રાત અને આજે સવારે કલાકો સુધી પણ કામ કરવું પડ્યું હતું. તેમાં પણ અવારનવાર વરસાદી ઝાપટાંને લીધે કેટલોય કચરો પલળી જતાં કામગીરી વદારે મુશ્કેલ બની હતી.
પાલિકાએ કચરો ઠાલવવા બે ડમ્પર અને પાંચ જીપોને કામે લગાડ્યાં હતાં. સાફસફાઈમાં 100થી વઘુ કર્મચારીઓ ઉપરાંત કેટલીક એનજીઓના 26 વોલન્ટિઅર્સ પણ જોતરાયા હતા. મરીન ડ્રાઇવ પર પરોઢે સ્થાનિકો મોર્નિંગ વોક માટે આવતા હોય છે. આમ તો પાલિકાએ ઘણો ખરો કચરો સવાર પહેલાં જ હટાવી લીધો હતો.