હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, હરિયાણા-ચંદીગઢ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે. દિલ્હી-એનસીઆરમાં આજે સવારે હળવો વરસાદ થયો હતો, દિલ્હીમાં આજે જોરદાર પવન ફૂંકાવાની સંભાવના છે….દેશમાં મોટાભાગના રાજ્યમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. ગુજરાતમાં અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગે ગુજરાત સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદની નવી આગાહી કરી છે…
જૂનમાં ચોમાસની ગતિ ધીમી પડી ગઈ હતી. જો કે જુલાઈના પહેલા અઠવાડિયામાં જ ચોમાસાનું જોર વધ્યું છે. ત્યારે હવે ભારતીય હવામાન વિભાગએ ગુજરાત સહિત 11 રાજ્યોને લઈને ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત ભીષણ ગરમીનો સામનો કરી રહેલા ઉત્તર પ્રદેશમાં આ અઠવાડિયે ધોધમાર વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે.
આજે આ રાજ્યોમાં પડશે વરસાદ
હવામાન વિભાગે આજે (04 જુલાઈ) જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, પૂર્વ રાજસ્થાનમાં 8 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 5 જુલાઈએ અને પૂર્વ મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં આજે ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ 8 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે.
મોટાભાગના રાજ્યોમાં મુશળધાર વરસાદની સંભાવના
IMDએ વધુમાં કહ્યું છે કે ઓડિશામાં 8 જુલાઈ સુધી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આવું જ હવામાન 6 થી 8 જુલાઈ વચ્ચે રહેવાની શક્યતા છે. આજે અને આવતીકાલે (5 જુલાઈ) બિહારમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તર-પૂર્વ ભારતના મોટાભાગના રાજ્યોમાં 8 જુલાઈ સુધી મુશળધાર વરસાદની સંભાવના છે. આગામી પાંચ દિવસ દરમિયાન કેરળ, માહે, લક્ષદ્વીપ, કર્ણાટકના દરિયાકાંઠે, કોંકણ, ગોવા, ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે, યાનમ, આંતરિક કર્ણાટકમાં પણ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. આ સમય દરમિયાન મરાઠવાડા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, રાયલસીમા, તેલંગાણામાં છૂટાછવાયાથી હળવો વરસાદ થઈ શકે છે.
દેશમાં ચોમાસું સામાન્ય કરતાં વહેલું પહોંચી ગયું છે
ચોમાસું 30 મેના રોજ કેરળ અને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં પહોંચ્યું હતું, જે સામાન્ય કરતા બેથી છ દિવસ વહેલું છે. તે મહારાષ્ટ્ર સુધી સામાન્ય રીતે આગળ વધ્યું, પરંતુ પછી તેની ગતિ ધીમી પડી જેના કારણે બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં વરસાદની રાહ જોવાઈ છે