Hrishikesh Patel

જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પાણી સમિતિઓને અનુદાનની રકમના ચેક એનાયત કરવામાં આવ્યા.

નલ સે જલ યોજના અંતર્ગત પ્રત્યેક ઘરમાં નળ કનેક્શન ધરાવતો રાજ્યનો સાતમો જિલ્લો બન્યો પાટણ.

પાટણ એ.પી.એમ.સી. ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઋષિકેષભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહના સાતમા દિવસની ઉજવણી કરવામાં આવી. ઋષિકેષભાઈ પટેલના હસ્તે સમરસ ગ્રામ પંચાયતોને અનુદાન સહિતની સહાયનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, દેશની આઝાદી વખતે પૂજ્ય ગાંધીજીએ રામરાજ્યની કલ્પના કરી હતી. પરંતુ આઝાદી પછીની સરાકારોએ વર્ષોના કાર્યકાળમાં પણ જનસામાન્યને પ્રાથમિક સુવિધાઓ આપવા તરફ દુર્લક્ષ્ય સેવ્યુ. શ્રદ્ધેય અટલ બિહારી બાજપાઈજીએ વડાપ્રધાન પદ સંભાળ્યા પછી શાસનમાં ક્રાંતિસ્વરૂપ આમૂલ પરિવર્તન આવ્યું. ગુજરાતના પનોતાપુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનની આ વિભાવનાને સાર્થક કરી પ્રજાકલ્યાણનો પથ કંડાર્યો.

વધુમાં ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, જો પ્રજા પાસે પ્રાથમિક સુવિધાઓ જ નહીં હોય તો ભારતને વિશ્વગુરૂ બનાવવાની કલ્પના પણ ન કરી શકાય ત્યારે પ્રજાના દુખદર્દમાં ભાગીદાર થવા, નાગરિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને સરકાર સેવાઓના ત્વરિત લાભ મળે તે માટે તત્કાલીન મુખ્યમંત્રીનરેન્દ્રભાઈ મોદીએ ઉભી કરેલી વ્યવસ્થાઓને પરિણામે રાજ્યના છેવાડાના વિસ્તારના નાગરિકો સુધી પિવાનું શુદ્ધ અને પુરતું પાણી, નિરંતર વિજપ્રવાહ, શિક્ષણ વ્યવસ્થા અને જનઆરોગ્યલક્ષી સુવિધાઓ પહોંચી છે. ગુજરાતની શાસન વ્યવસ્થા આજે સમગ્ર દેશ માટે રોલ મોડલ બની છે.

પાટણના પ્રજાજનોને અભિનંદન આપતાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, નળથી જળ યોજના અંતર્ગત દરેક ઘરને પિવાનું શુદ્ધ પાણી મેળવતો રાજ્યનો સાતમો જિલ્લો પાટણ બન્યો છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યમાં એક પણ ઘર નળ વગર બાકી ન રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે. આવી અનેક સુવિધાઓ આપવા સાથે નાગરિકોના પ્રશ્નોને વાચા આપી વ્યવસ્થાઓ વધુ સુલભ બનાવી છે.

કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓના પગલે સાવચેતી રાખવા અનુરોધ કરતાં આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, રસીકરણના અમોઘ શસ્ત્ર સાથે માસ્કનું અભેધ કવચ આવશ્યક છે. કોવિડ ગાઈડલાઈનના પાલનથી જ આપણે સુરક્ષિત રહી ત્રીજી લહેરનો સામનો કરી શકીશું.

સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે પાંચ સમરસ ગ્રામ પંચાયતોને કુલ રૂ.૩૨.૭૫ લાખના અનુદાનનો ચેક, પાંચ પાણી સમિતિઓને રૂ.૧૮.૦૩ લાખના અનુદાનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ સહિતના હોદ્દેદારો-પદાધિકારીશ્રીઓ ઉપરાંત જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી સહિતના અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024