પાટણ જિલ્લાના દુધારામપુરામાં પ્રેમ સંબંધને લઈને પતિની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોય પ્રેમી અને પત્નીએ ભેગા મળી પતિની કરી હત્યા.
મળતી માહિતી મુજબ દુધારામપુરા પાસે કેનાલ ઉપર પત્નીએ પતિને લઈ જઈ પ્રેમીએ પાછળથી માથામા ધોકા મારી હત્યા કરી હતી. જોકે હત્યાને પગલે પોલીસે પ્રેમી અને પત્નીની ધરપકડ કરી લીધી છે.
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુધારામપુરા ગામમાં રહેતાં અને કલર કામ કરતાં મોહનભાઈ પરમારની પત્ની ભગીબેન પરમારને ગામના જ અરવિંદ ઠાકોર નામના શખ્સ સાથે આડાસંબંધ હતા. જે બાબતની જાણ મોહનભાઇ પરમારને થઇ હતી.
આ બાબતે મોહનભાઇ ઘણીવાર તેમના પુત્રને પણ કહેતા હતા કે, તારી માતાના આડાસંબંધો ક્યારેક મારો જીવ લઇ લેશે. આ ઉપરાંત મોહનભાઇ અને ભગીબેનને વારંવાર ઝઘડો પણ થતો હતો. જોકે, હર્યોભર્યો અને મોટો પરિવાર હોવાથી આ ઝઘડો શાંત થઇ જતો હતો, પરંતું ભગીબેને પ્રેમી અરવિંદ સાથે મળીને પ્રેમમાં આડખીલીરુપ બનતા મોહનભાઇનો કાંટો કાઢવાનું નક્કી કરી દીધું હતું.
પિતા મોડે સુધી પરત ન ફરતાં પુત્રએ તેના મિત્રોને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા અને પિતાને શોધવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમને સમાચાર મળ્યા કે વાંસા ગામની નર્મદા કેનાલની બાજુના નાળામાં એક લાશ પડી છે. જેથી મિત્રો સાથે મોહનભાઇનો પુત્ર તુરંત એ સ્થળે પહોંચ્યો હતો. જ્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. પુત્રએ લોહીલુહાણ હાલતમાં લાશ જોતાં જ પોતાના પિતા હોવાની ઓળખ કરી હતી.
આ દરમિયાન હારીજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જેથી પોલીસે પુછપરછ કરતાં પુત્રએ પોતાની માતા અને તેના પ્રેમી અરવિંદ પર શંકા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ભગીબેન પરમાર અને તના પ્રેમીની પુછપરછ કરતાં તેઓ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યાં હતા અને પોતે આ બાબતે કંઇજ ન જાણતા હોવાનું જણાવતા હતા. જોકે, પોલીસની પણ શંકા પ્રબળ બનતાં બંનેની આગવીઢબે પૂછપરછ કરતાં બંનેએ મળીને મોહનભાઇની હત્યાં કરી હોવાનું કબુલાત કરી હતી. હાલ પોલીસે પુત્રની ફરિયાદના આધારે બંને હત્યારાઓને જેલ હવાલે કર્યાં છે.