I.T.I. Recruitment આઈ.ટી.આઈ. પાટણ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ફેર યોજાશે
નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા વિવિધ ટ્રેડના ૨૨૦ જેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે
પાટણ જિલ્લાની નોડલ સંસ્થા આઈ.ટી.આઈ. પાટણ ખાતે આગામી તા.૧૯ માર્ચના રોજ કેમ્પસ પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નોકરીદાતા તરીકે નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓ ૨૨૦ ઉમેદવારોની ભરતી કરશે.
ઔદ્યોગીક તાલીમ સંસ્થામાં ફીટર, વેલ્ડર, ઈલેક્ટ્રીશિયન, ઓટોમોબાઈલ તથા ટર્નર જેવા વિવિધ ટ્રેડનું પ્રશિક્ષણ પ્રાપ્ત તાલીમાર્થીઓ આ પ્લેસમેન્ટ કેમ્પમાં ભાગ લઈ શકશે. આ ઉપરાંત અન્ય ટ્રેડના વર્ષ ૨૦૧૭, ૨૦૧૮ તથા ૨૦૧૯માં પાસ આઉટ તાલીમાર્થીઓની નોકરીદાતાઓ દ્વારા ૨૨૦ જેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.
આ કેમ્પસ પ્લેસમેન્ટ ફેરમાં ટોયોડા ગોસેઈ, મીન્ડા ગૃપ ઈન્ડિયા લી., એમ.આર.એફ. ટાયર, સેવિટ્સિલ, કાપારો, નાઈસ એન્જીન્યરિંગ વર્ક્સ જેવી નામાંકિત કંપનીઓ નોકરીદાતા તરીકે ઉપસ્થિત રહેશે.
પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ આઈ.ટી.આઈ. પાટણની વેબસાઈટ itipatan.gujarat.gov.in અથવા ITI Patanના ફેસબુક પેજ પર આવેલા ગુગલ ફોર્મ દ્વારા આજે તા.૧૮/૦૩/૨૦૨૧ના રોજ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
કોવિડ-૧૯ની ગાઈડલાઈનને ધ્યાને લઈ ફક્ત રજીસ્ટ્રેશન કરાવેલા ઉમેદવારોને જ કેમ્પસ ઈન્ટરવ્યુનો લાભ મળશે તેમ આઈ.ટી.આઈ. પાટણના આચાર્ય સુશ્રી મયુરીબેન પ્રજાપતિની અખબારી યાદીમાં જણાવાયું છે.