Patan : સિદ્ધપુર તાલુકાના મેળોજ લાડજીપુરા ગામે રહેતા સેધાભાઈ હીરાભાઈ સેનમા (ઉ.વ.60) અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી જતા સારવાર દરમિયાન મોત થયું હતું.મૃતકના દીકરાએ સિદ્ધપુર પોલીસ મથકે અકસ્માતે નોંધ દાખલ કરાવી હતી.
મળતી માહિતી મુજબ, લકવાના કારણે સતત ચિંતામાં રહેતા સેધાભાઈએ મંગળવારે સવારે તેમના ઘરે પડેલ એસિડની બોટલ ગટગટાવી ગયા હતા તેઓની તબિયત લથડતા 108ની મદદથી ધારપુર હોસ્પિટલ ખાતે ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન પોલીસને ધારપુર ડોક્ટરે વર્ધી લખાવી હતી અને પોલીસ દર્દી પાસે પહોંચી હતી પણ દર્દી બેભાન અવસ્થામાં હતા અને બેભાન અવસ્થામાં જ ગુરુવારે મૃત્યુ પામ્યા હતા. આ અંગે મૃતકના દીકરા પ્રકાશભાઈ સેધાભાઈ સેનામાએ સિદ્ધપુર પોલીસ મથકે અગમ્ય કારણોસર મરણ ગયા હોવાની નોંધ દાખલ કરી હતી.
સિદ્ધપુર તાલુકાના મેળોજ લાડજીપુરા ગામે સેધાભાઈ હીરાભાઈ સેનમા તેમની પત્ની અને બે દીકરા સાથે રહે છે. બંને દીકરા પાટણ અને અમદાવાદ ખાતે નોકરી કરે છે અને સેધાભાઈ સેનમા તેઓ ખેતીવાડી કરતા હતા. છેલ્લા બે વર્ષથી સેધાભાઈને લકવાની અસર થઈ ગઈ હોવાના કારણે ખેતકામ બંધ કરી દીધું હતું. લકવાના કારણે સતત ચિંતામાં રહેતા સેધાભાઈએ આ પગલું ભર્યું હોવ તેવું લાગી રહયું છે.