પ્રાંત અધિકારીની અધ્યક્ષતાવાળી કમિટીએ મંજૂર કર્યા જરૂરિયાતમંદ પરિવારોના પ્લોટ
સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ થકી આવા પરિવારોના જીવનધોરણમાં સુધારો થાય છે. આવી જ યોજના અન્વયે ગામોમાં જે લોકો નાના કે સીમાંત ખેડૂત હોય અને તેમની પાસે માલિકીની જમીન ન હોય એમને વહીવટીતંત્ર દ્વારા અરજી મંગાવી સરવે કરીને લેન્ડ કમિટી દ્વારા પ્લોટ ફાળવણી કરવામાં આવે છે. પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકા ખાતે પ્રાંત અધિકારી ડૉ.સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષ સ્થાને લેન્ડ કમિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિધ્ધપુર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તા.૨૯ ઓકટોબરના રોજ યોજાયેલ લેન્ડ કમિટીની મીટીંગમાં સિધ્ધપુર તાલુકાના મામવાડા, લુખાસણ, નિદ્રોડા, વરસીલા, મુડાણા, સમોડા, કાકોશી, રસુલપુર, જાફરીપુરા, ખળી, નેદરા, કાલેડા, દેથળી, ખડિયાસણ, ખોલવાડા એમ કુલ ૧૫ ગામોની મફતગાળાની કુલ ૨૯૮ અરજીઓ મળી હતી. જેમાંથી સરકારના નીતિ નિયમો પ્રમાણે કુલ ૧૮૯ અરજીઓ મંજુર કરવામાં આવી.
આ મંજુર કરવામાં આવેલી અરજીઓમાંથી ૨ દિવ્યાંગ પતિ-પત્નીને ૮ વિધવા સ્ત્રીઓને મફત પ્લોટ મંજુર કરવામાં આવ્યા હતા. આ મીટીંગમાં તાલુકા વિકાસ અધિકારી એજાઝ રાજપુરા, મામલતદાર કનકસિંહ ગોહિલ, માનનીય ધારાસભ્યના પ્રતિનિધિ તથા કમીટીના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.