પાટણ જિલ્લાના હારીજ ખાતે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે હારીજ તાલુકા પ્રાથમિક શિક્ષકોની નાણાં ધિરનારી મંડળીના નવા મકાનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. હારીજના લુહાણા ખાતે યોજાયેલા કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ અને માનનીય મંત્રી શ્રીએ શિક્ષકોની નાણા ધિરનાર મંડળી ઉત્તરોત્તર પ્રગતી કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, ગામડાઓમાં સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને સહાય, સ્વસહાય જૂથો દ્વારા નાના ધંધાર્થીને મળતી આર્થિક મદદની જેમ જરૂરિયાતના સમયે તથા વિકટ પરીસ્થિતીમાં શિક્ષકોને આર્થિક મદદ મળે તે માટે ચલાવવામાં આવતી શિક્ષક મંડળીની કામગીરી ખરેખર સરાહનીય છે. શિક્ષકોને પોતાના મકાનની ખરીદી સહિતના પ્રસંગોએ ઓછા વ્યાજે ધીરાણ મળી રહે તેવી સુંદર વ્યવસ્થા મંડળીએ કરી છે. સભાસદનું હિત જળવાય ત્યારે જ મંડળીનો વિકાસ થાય છે. રૂ.૬૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલ હારીજ તાલુકા પ્રાથમિક શિક્ષકોની નાણાં ધિરનારી મંડળીના નવીન મકાનએ શિક્ષકોની નાણાકીય વહિવટમાં કુશળતા દર્શાવે છે.
વધુમાં મંત્રી શ્રીએ જણાવ્યું કે, શિક્ષકો પાસેથી કરકસર અને સાદગીભર્યું જીવન શિખવા જેવું છે.
પોતાના વેતનમાંથી બચત કરીને એકઠી કરેલી ડીપોઝીટમાંથી લોન દ્વારા શિક્ષકોને સહાયરૂપ થતી મંડળીઓ સહકાર ભાવનાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. આ મંડળીમાંથી અવસાન પામનાર શિક્ષકોને મંડળીમાંથી આપવામાં આવતી રૂ.૦૬ લાખની આર્થિક સહાય દિવંગત શિક્ષકોના પરીવારજનોને અચાનક આવી પડેલી વિકટ પરીસ્થિતીમાં ચોક્કસ સહાયરૂપ થશે. આ જ રીતે સહકારની ભાવના સાથે સંવેદનશીલ અભિગમ રાખી પ્રાથમિક શિક્ષકોને નાણા ધિરનાર મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવું છું.

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી માનાભાઈ રબારીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પાટણ જિલ્લા શિક્ષણ સમિતીના માધ્યમથી તમામ માહિતી ઓનલાઈન કરવામાં આવી અને તેના પરથી પ્રેરણા લઈ રાજ્ય સરકાર દ્વારા તેનો રાજ્યસ્તરે અમલ કરવામાં આવ્યો. પાટણ જિલ્લા શિક્ષણ સંઘ વતી નોકરીની સેવાઓ સળંગ ગણવાનો નિર્ણય લઈ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના હીત માટે ઉદાર વલણ દાખવવામાં આવ્યું છે તે માટે રાજ્ય સરકારના આભારી છીએ.
હારીજ તાલુકા પ્રાથમિક શિક્ષકોની નાણાં ધિરનાર મંડળી દ્વારા હારીજના મુખ્ય બજાર ખાતે રૂ.
૬૦ લાખના ખર્ચે નવીન મકાન તૈયાર કરવામાં આવ્યું. પાટણ જિલ્લામાં કાર્યરત પ્રાથમિક શિક્ષકોની કુલ ૧૧ નાણા ધિરનાર મંડળીઓ પૈકી ૫૪૦ સભાસદ ધરાવતી આ મંડળી દ્વારા સભ્યોને તેમના પગારના વીસ ગણા અથવા વધુમાં વધુ રૂ.૧૦ લાખનું ધીરાણ તથા વિદ્યા સહાયકોને રૂ. ૦૨ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે.

આ પ્રસંગે જિલ્લા રજીસ્ટ્રાર શ્રી સુનિલભાઈ ચૌધરી, પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી જીતેન્દ્રકુમાર પટેલ, એ.પી.એમ.સી. હારીજના ચેરમેન શ્રી ભગવાનભાઈ ચૌધરી, વિવિધ તાલુકાના શિક્ષક સંઘના હોદ્દેદારો, શાળાના આચાર્યો તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News