- પ્રધાનમંત્રીશ્રીએ કરેલા જનતા કરફ્યુના આહ્વાનના પગલેપાટણના નાગરીકોએ કરાવ્યા જાહેર શિસ્તના દર્શન.
- શહેરના બજાર અને ગલી-મહોલ્લાઓમાં નિરવ શાંતિ, કોરોના વાયરસ સંક્રમણનું જોખમ ટાળવા લોકોએ જનતા કરફ્યુનું સ્વયંભુ પાલન કર્યું
સામાજીક અંતર જાળવી કોરોના વાયરસના સંક્રમણને અટાકાવવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૧૯ માર્ચના રોજ આપેલા રાષ્ટ્ર વ્યાપી જનતા કરફ્યુ પાળવા સંદેશના પગલે પાટણના નાગરીકોએ સ્વયંભુ બંધ પાળ્યો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી તરીકે ઘોષિત કરવામાં આવેલા નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ડ્રોપલેટ તથા સીધા સંપર્કમાં આવવાથી થાય છે. આથી સામાજીક અંતર જાળવી વાયરસ ફેલાતો અટકે તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૨૨ માર્ચના રોજ જનતા કરફ્યુનું પાલન કરવા દેશવ્યાપી આહ્વાન કર્યું હતું. ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતી પાટણની પ્રબુદ્ધ પ્રજાએ તેને ઝીલી લઈ જાહેર શિસ્તના દર્શન કરાવતાં સ્વયંભુ બંધ પાળ્યો.
દાયકાઓથી પ્રસિદ્ધ એવા પાટણના બજારમાં સજ્જડ બંધ પાળી વેપારીઓએ પોતાની સામાજીક જવાબદારી સાર્થક કરી. સાથે સાથે ઘરની બહાર ન નિકળી પાટણના લોકો સ્વયંભુ હોમ કોરોન્ટાઈલ રહ્યા. શહેરના ગલી-મહોલ્લા, પોળો અને સોસાયટીના લોકોએ કોરોના વાયરસ સંક્રમણનું જોખમ ટાળવા પ્રધાનમંત્રીશ્રીના સંદેશને જવાબદારી તરીકે સ્વિકારી જાહેરમાં આવવાનું ટાળ્યું.
પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જનતા કરફ્યુ માટે અગાઉથી જાહેર અપીલ કરવામાં આવી હતી. વધુમાં કોરોના વાયરસ સંક્રમણનું જોખમ અટકાવવા તકેદારીના પગલાઓ અંગે સઘન પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના નાગરીકોએ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા તકેદારીના પગલાઓ અનુસરી પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. જો કે જરૂરી દવાઓની જરૂરીયાતને ધ્યાને લઈ ખાનગી મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવ્યા.
નોવેલ કોરોના વાયરસના સબંધમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અંતર્ગત વાયરસના સંક્રમણનું જોખમ ઘટાડવા સામાજીક અંતર જાળવવા અને જાહેરમાં ન થુંકવા સહિતના તકેદારીના પગલા લેવા જણાવવામાં આવ્યું છે. જેનો સ્વયંશિસ્તના ભાગરૂપે અમલ કરવામાં આવે તો ચોક્કસ આ મહામારીના સમયમાં સુરક્ષિત રહી શકાશે.