રાજકોટમાં મોડી સાંજે અનાચક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શરૂઆતમાં મિનિ વાવાઝોડું આવ્યું હતું અને રસ્તામાં ઘૂળની ડમરીઓ ઉડવા માંડી હતી અને ત્યારબાદ ધીમી ધારે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી.
લોધિકા, ગોંડલ અને જસદણ પંથકમાં ગાજવીજ તથા કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટ-કોટડાસાંગાણી હાઈવે પર કરાના થર જામતાં કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો હતો. હાઈવે પર બરફના થર જામતાં અદભુત દૃશ્યો જોવા મળ્યાં હતાં.
રાજકોટ જિલ્લામાં અનેક જગ્યાએ મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, 8મી માર્ચ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે.
રાજકોટમાં કાલાવડ રોડ પર મિની વાવાઝોડું ફૂંકાયું હોય એવો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવનને કારણે દુકાનોનાં બોર્ડ ઊડીને રસ્તા પર ફેંકાયાં હતાં તેમજ ધૂળની આંધી ફૂંકાતાં વાહનચાલકો પરેશાન બન્યા હતા.