- નાઈજિરિયામાં મોટી દુર્ઘટના
- ક્લાસમાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે બની ઘટના
- 22 વિદ્યાર્થીઓના મોત અને 100 થી વધુ ઘાયલ
- બચાવકર્મીઓ સ્થળ પર તૈનાત…
ઉત્તર-મધ્ય નાઈજીરિયા (Nigeria)માં શુક્રવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક બે માળની શાળાની ઈમારત ધરાશાયી થઇ હતી. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. આ અકસ્માતમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે 100 થી વધુ વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. કાટમાળ નીચે ફસાયેલા વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ ટુકડીઓ હાજર છે.
અંદાજે 8 લાખ જેટલાં ભારતીયોની વસતી ધરાવતા નાઈજિરિયાથી દુઃખદ સમાચાર સામે આવ્યા. અહીં એક સ્કૂલની ઈમારત ધરાશાયી થઈ હતી. અહેવાલ અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 22થી વધુ વિદ્યાર્થી મૃત્યુ થયા છે. જ્યારે 100થી વધુને રેસ્ક્યૂ કરાયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે સ્કૂલની ઈમારત ધરાશાયી થયા બાદ 154 વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હતા, પરંતુ તેમાંથી 132ને બચાવી લેવાયા હતા. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નાઈજિરિયાની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ બચાવ અને આરોગ્ય કર્મચારીઓ તેમજ સુરક્ષા દળોને અકસ્માતના સ્થળે તહેનાત કર્યા હતા. નાઈજિરિયન સરકારે ઝડપી તબીબી સુવિધા આપવા માટે હોસ્પિટલોને કોઈપણ દસ્તાવેજ અથવા ચુકવણી વિના સારવાર શરૂ કરવા સૂચના આપી હતી. સરકારે આ દુર્ઘટના માટે શાળાનું નબળું બાંધકામ અને નદી કિનારે તેનું સ્થાન હોવાને જવાબદાર ઠેરવ્યું છે.