શહિદ દિન નિમિત્તે સુજનીપુર સબ જેલ ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા વિર શહિદોને હરિત વિરાંજલી
- આર્યાવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત કાર્યક્રમમાં વૃક્ષારોપણ ઉપરાંત પક્ષીઓ માટે પાણીના કુંડા, માળા અને બર્ડ ફિડરનું પણ વિતરણ
તા.૨૩ માર્ચની દેશભરમાં શહિદ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે પાટણની સુજનીપુર સબ જેલ ખાતે હુતાત્મા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા વૃક્ષારોપણ કરી શહિદોને હરિત વિરાંજલી આપવામાં આવી હતી.
પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે કાર્યરત આર્યાવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવતી શહિદ દિનની ઉજવણીના ભાગરૂપે પાટણ નજીક આવેલી સુજનીપુર સબ જેલના પ્રાંગણમાં હુતાત્મા સ્મૃતિ દિવસ-૨૦૨૧ની ઉજવણી કરવામાં આવી હતી. તા.૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને હરિત વિરાંજલી આપવા જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ દ્વારા શહિદોના પ્રતિકરૂપ ત્રણ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
પોતાના પ્રાણનું બલિદાન આપી સ્વાતંત્ર્ય સંગ્રામમાં નવી ચેતનાનો પ્રસાર કરનારા વિર શહિદોને નમન કરતાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, માત્ર ૨૩ વર્ષની યુવાનવયે દેશને આઝાદી અપાવવાનો વિચારમાત્ર જ મહાન છે, આ વિરો યુગો સુધી લોકોના પ્રેરણાસ્ત્રોત રહેશે. વધુમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, તે સમયે આઝાદીની આવશ્યકતાની જેમ આજે આપણી સામે ક્લાઈમેટ ચેન્જ, પાણીની અછત અને પ્રદુષણ સહિતના પડકારો છે. આઝાદી બાદના આ પડકારો અલગ છે. તે બલિદાન નહીં યોગદાન માંગે છે. આવનારા વર્ષોમાં પૃથ્વી વસવાલાયક રહે તે માટે જળ સંરક્ષણ અને પર્યાવરણના જતન સહિતની જવાબદારી આપણી સૌની છે.
જિલ્લા કલેક્ટરશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રકૃતિપ્રેમીઓએ બેઠક વ્યવસ્થામાં જાળવેલા સામાજિક અંતર અને માસ્કના ઉપયોગ બદલ અભિનંદન પાઠવી, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા બાબતની જાગૃતિની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા શહેરના સામાજિક કાર્યકરો તથા પર્યાવરણપ્રેમીઓને તુલસીના છોડ, બર્ડ ફિડર, પક્ષીના માળા, પુસ્તક અને મોમેન્ટો આપી તેમના યોગદાન બદલ નવાજવામાં આવ્યા હતા. સાથે જ ઉપસ્થિત સૌને સંસ્થા દ્વારા પાણીના કુંડા અને ચકલીના માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સબ જેલના પ્રાંગણમાં આવેલા પીપળ વન ખાતે દરેક વૃક્ષને શહિદના પ્રતિકરૂપે મીણબત્તિ પ્રગટાવી, બે મિનિટનું મૌન પાળી સ્મરણાંજલી આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ વૃક્ષોની સાક્ષીએ પર્યાવરણના જતનના શપથ ગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ, સુજનીપુર સબજેલના જેલ અધિક્ષકશ્રી એચ.એલ.વાઘેલા, ચીફ ઑફિસરશ્રી પાંચાભાઈ માળી, શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓના સંગઠનના પ્રમુખશ્રી યતિનભાઈ ગાંધી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગીય કાર્યવાહશ્રી નવીનભાઈ પ્રજાપતિ, આર્યાવ્રત નિર્માણ ટ્રસ્ટના પ્રમુખશ્રી નિલેશભાઈ રાજગોર સહિતના પ્રકૃતિપ્રેમીઓએ ઉપસ્થિત રહી શહિદોને અંજલી પાઠવી હતી.