(Mega Vaccination Drive) મૅગા વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત તા.૨૪ માર્ચના રોજ ૫,૭૧૦ નાગરિકોએ રસી લઈ પોતાના સ્વાસ્થ્યની સલામતી સુનિશ્ચિત કરી
કોરોના વાયરસના સંક્રમણનું સૌથી વધુ જોખમ ધરાવતા વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોને રસીનું રક્ષણકવચ પુરૂ પાડવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી મૅગા વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત ૫૫,૩૯૦થી વધુ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે.
જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી મૅગા વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપરાંત રાજકીય, ધાર્મિક અને સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલી રસીકરણની અપીલને પગલે મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોએ રસી લેવા માટે ઉત્સાહ દાખવ્યો છે. તા.૨૪ માર્ચના રોજ જિલ્લાના ૫,૭૧૦ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ, રસીકરણ અંગે ફેલાયેલી ભ્રામક માન્યતાઓનો પાયાવિહોણી સાબિત કરી છે.
ગ્રામ્ય અને શહેરી કક્ષાએ તલાટી કમ મંત્રીશ્રી, આશા વર્કર્સ, આંગણવાડી કાર્યકરો સહિતના ફિલ્ડ લેવલના કર્મચારીઓ દ્વારા પણ મહત્તમ લોકોનું રસીકરણ થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં તમામ જ્ઞાતિ અને સમાજના લોકોએ તંત્રના આ પ્રયાસોમાં સહયોગ આપી રસીકરણ ઝુંબેશને સફળ બનાવી રહ્યા છે.
જેના પરિણામ સ્વરૂપે તા.૨૦ માર્ચથી શરૂ કરવામાં આવેલી મૅગા વેક્સિનેશન ડ્રાઈવમાં માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં ૨૭,૧૪૦ જેટલા વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ કોરોના વાયરસ સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપ્યું છે.