ચોમાસુ હવે આખા દેશભરમાં જામી ગયું છે. મોટાભાગના રાજ્યોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. મુંબઈ, ઉત્તરાખંડ, આસામ, ગોવા અને રાજસ્થાન સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો હતો. તો ચાલો જાણીએ દેશભરના કયા કયા રાજ્યોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને ક્યાં ક્યાં હજુ ભારે વરસાદની કરાઈ છે આગાહી…
દેશની વાણિજ્યક રાજધાની ગણાતા મુંબઈમાં મોડી રાતે 6 કલાકમાં 12 ઈંચ મેહુલિયો વરસી જતાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યના સીએમ એકનાથ શિંદેએ છેવટે લોકોને અપીલ કરવી પડી કે વધારે જરૂરી હોય તો જ લોકોએ ઘરથી બહાર નીકળવું. ભારે વરસાદને પગલે મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનના પૈડા પણ થંભી ગયા હતા. અનેક ટ્રેનો કેન્સલ કરવી પડી હતી. ટ્રેનના પાટાઓ પણ દેખાતા નહોતા. જાણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રોડ પર નદીઓ વહેતી દેખાઈ હતી.
ઉત્તરાખંડમાં પૂરની સ્થિતિ
ઉત્તરાખંડમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. અહીં વરસાદ જાણે આફત બનીને વરસ્યો. હતો. રુદ્રપુરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના પગલે એસડીઆરએફની ચાર ટીમ તહેનાત કરીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અનેક બોટનો ઉપયોગ કરીને લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઉધમસિંહ નગર અને ચંપાવત જિલ્લાની વાત કરીએ તો ત્યાં તો છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ આવ્યા હતા. અત્યાર સુધી 45થી વધુ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડાયાની માહિતી છે.