મહેસાણા તાલુકાના પિલુદરા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત કુલ ૧૧ સભ્યોને તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા. જો કે, સરપંચ સહિતના ૧૧ સભ્યો અધિક વિકાસ કમિશ્નર સમક્ષ અપિલમાં જતાં આખરે તમામને પુન: સ્થાપિત કરવા જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે.
મહેસાણા તાલુકાના પિલુદરા ગ્રામ પંચાયતના સરપંચ જડીબેન પટેલ, ઉપસરપંચ ભરતકુમાર પટેલ સહિત કુલ ૧૧ સભ્યોને ગત તા.૧ જૂન, ર૦ર૧ ના રોજ તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીએ હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કર્યો હતો.
જેને લઇ હોદ્દા પરથી દૂર કરાયેલા સરપંચ સહિતના સભ્યો ગુજરાત રાજ્ય અધિક વિકાસ કમિશ્નર સમક્ષ અપીલમાં ગયા હતા. જ્યાં અધિક વિકાસ કમિશ્નરએ હોદ્દા પરથી દૂર કરવાના અગાઉનો આદેશ રદ્દ કરવાનો આદેશ કર્યો હતો.
જેને લઇ બુધવારે જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશએ સરપંચ, ઉપસરપંચ અને સભ્યોને ફરી હોદ્દા પર પુન:સ્થાપિત કરવાનો આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારીના આદેશને અધિક વિકાસ કમિશનરમાં પડકારાતાં પુન: સ્થાપિત કરવા આદેશ કર્યો છે.