રાજ્યની 6 મહાનગરપાલિકાની 21મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીના ઉમેદવારીપત્રોની આજે ચકાસણી કરવામાં આવી રહી છે, જેને પગલે ઉમેદવારી ફોર્મમાં ભૂલો સામે આવવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેને પગલે ઉમેદવારી ફોર્મ રદ થઈ રહ્યાં છે.
આ ઉપરાંત કોંગ્રેસમાં આંતરિક વિખવાદની પણ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને બહેરામપુરામાં ટિકિટ ફાળવણીને લઈ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા નારાજ થયા છે, જેને પગલે ખેડાવાલાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.
‘બહેરામપુરા વોર્ડની ચૂંટણી માટે પક્ષ દ્વારા પહેલાંથી જ ચાર ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા છે, ત્યારબાદ બીજા બે ઉમેદવારોને પણ મેન્ડેટ આપવામાં આવ્યા છે. અગાઉથી ચાર ઉમેદવારો પક્ષે પસંદ કરી લીધા હોવા છતાં બે ઉમેદવારોને મેન્ડેટ આપવા અયોગ્ય છે. આ કઈ રીતે ચાલે? ચાર ઉમેદવારો નક્કી કરી દીધા હોય અને પાછળથી બે ઉમેદવારોને ટિકિટ આપો તે યોગ્ય નથી. મારા કાર્યકરોને ન્યાય અપાવવા માટે મેં હાઇકમાન્ડને રજૂઆત કરી છે.’
ઇમરાન ખેડાવાલા લાંબી રાજકીય સફર કરીને કાઉન્સિલરમાંથી ધારાસભ્ય બનેલા કૉંગ્રેસના નેતા છે. 2010માં તેમણે જમાલપુર વૉર્ડમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે કૉર્પોરેશનની ચૂંટણી જીતી હતી. જોકે 2015માં ટિકિટને લઈને વિવાદ થયો અને તેમણે કૉંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો. ત્યાર બાદ ઇમરાન ખેડાવાલાએ કૉર્પોરેશનની ચૂંટણી અપક્ષ તરીકે લડીને જીતી હતી.