સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના વિવિધ સ્થાનો પર રહેતા ગ્રાહકોએ વર્ષ ૨૦૧૯-૨૦૨૦થી આજ સુધીમાં સોનાના દાગીના મુકી ગ્રાહકોએ ૪૯ જેટલી લોનો લીધી હતી. કંપનીની વડી કચેરીના ઓડિટ દરમિયાન દાગીના મુકી લોન લેનારા કેટલાક ગ્રાહકોએ સોનાના નકલી દાગીના કંપનીમાં જમા કરાવી લોન મેળવી લીધા બાદ લોનના નાણાં ન ચુકવતા અને લોન માટે મુકેલા દાગીના પરત ન છોડાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
૧૬ જેટલા ગ્રાહકોએ હિંમતનગર સ્થિત મુથુટ ફીનકોર્પ લી. કંપનીમાં સોનાના નકલી દાગીના મુકી લોન લીધા બાદ વ્યાજ સહિત રૂ. ૮૭ લાખથી વધુની રકમ કંપનીને ન ચુકવી વિશ્વાસઘાત સાથે છેતરપીંડીનો મામલો હિંમતનગરના બી. ડિવિઝનમાં નોંધાયો છે. બી. ડિવિઝન પોલીસે ગુન્હાહિત કાવતરૃ રચી કંપની સાથે છેતરપિંડી કરનાર ૧૬ ગ્રાહકો વિરુદ્ધ ગુનો દાખલ કરી સમગ્ર પ્રકરણની તપાસનો દોર શરૂ કર્યો છે.
હિંમતનગરની જુની સિવિલ હોસ્પિટલ સામેના ક્રિષ્ણા કોમ્પ્લેક્ષમાં મુથુટ ફીનકોર્પ લીમીટેડ કંપનીની શાખા આવેલી છે. જે શાખામાંથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ૧૬ જેટલા ગ્રાહકોએ વર્ષ ૨૦૧૯-૨૦૨૦થી આજ દિન સુધીમાં સોનાના દાગીના મુકી અલગ અલગ ગ્રાહકોએ કુલ ૪૯ લોન લીધી હતી. અરવલ્લી જિલ્લાના મેઘરજ, મોડાસા તેમજ સાબરકાંઠાના હિંમતનગર, તલોદ, ઈડર અને મહેસાણા જિલ્લાના કડી ખાતે રહેતા ગ્રાહકોએ ૨૦૭૦.૫ વજનના નકલી સોનાના દાગીના જમા કરાવી લોનો મેળવી હતી. ત્યારબાદ કંપનીના મેઈન ઓફિસના વિભાગ દ્વારા ઓડિટ કરાવાતા ઓડિટ દરમિયાન આ ગ્રાહકોએ ડુપ્લીકેટ સોનું કંપનીમાં પધરાવી લોન પેટે રૂપીયા લીધા હોવાનુ ધ્યાને આવ્યુ હતુ. જેમાં કંપનીની સમય મર્યાદામાં ગ્રાહકોએ લોનના નાણાં ન ચુકવી ગોલ્ડ ના છોડાવતા કંપની સાથે છેતરપિંડી થયાનું કંપનીના ધ્યાને આવ્યુ હતુ.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ૧૬ ગ્રાહકોને હિંમતનગરની મુથુટ ફીનકોર્પ લી.માં રૂ. ૫૩,૦૫,૩૭૬ લાખ ચુકવવાના હતા. જે ગ્રાહકોએ ન ચુકવતા અને ગોલ્ડ ન છોડાવતા વ્યાજ સાથે કંપનીને રૂ. ૮૭,૦૫,૨૪૧ લાખ ગ્રાહકો પાસેથી લેવાના નિકળતા હતા. જે લોનની રકમ ૧૬ ગ્રાહકોએ મુથુટ ફીનકોર્પ કંપનીને ન ચુકવી વિશ્વાસઘાત સાથે છેતરપીંડી કરતા બુધવારે કંપનીના એરીયા મેનેજર પાર્થકુમાર રબારીએ હિંમતનગર બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ૧૬ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી સમગ્ર પ્રકરણની તપાસનો દોર બી.ડિવિઝનના પી.એસ.આઈ. એ.વી.જોષીએ શરૂ કર્યો છે.