NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર નવા આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે એક કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બોલાવવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં ક્રૂઝ ડ્રગ્સ કેસથી શરૂ થયેલી મંત્રી નવાબ મલિક(nawab malik) અને NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે(sameer wankhede) વચ્ચેની લડાઈ પુરી થવાનું નામ નથી લઈ રહી. ઉદ્ધવ સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે મંગળવારે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરી સમીર વાનખેડે પર આરોપ લગાવ્યો છે. નવાબ મલિકે કહ્યું કે, વાનખેડે જે શૂઝ પહેરે છે તેની કિંમત 2 લાખ રૂપિયા છે અને તેના શર્ટની કિંમત 50 હજાર રૂપિયાથી વધુ છે.
2020નો હાઇ પ્રોફાઇલ કેસ હજી બંધ કેમ નથી થઇ રહ્યો?
નવાબ મલિકે કહ્યું, ‘2020માં વાનખેડે આવ્યા બાદ NCBએ કેસ નોંધ્યો છે. આ જ કેસમાં સારા અલી ખાનને બોલાવવામાં આવી હતી, આ જ કેસમાં શ્રદ્ધા કપૂરને બોલાવવામાં આવી હતી, દીપિકા પાદુકોણને પણ આ જ કેસમાં બોલાવવામાં આવી હતી, તે કેસમાં સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બોલાવવામાં આવી હતી. આજ સુધી તે કેસ બંધ નથી થઈ રહ્યો, ન તો ચાર્જશીટ થઈ રહી છે, એવું શું છે કે, 14 મહિનાથી કેસ બંધ નથી થઇ રહ્યો. આ કેસ હેઠળ હજારો કરોડની વસૂલાત કરવામાં આવી છે’.
એનસીબીની વિજિલન્સ ટીમે આ અંગે તપાસ કરવી જોઈએ
મલિકે વધુમાં કહ્યું, ‘એનસીબી(NCB)ની વિજિલન્સ ટીમે આ અંગે તપાસ કરવી જોઈએ. ઘણા અધિકારીઓ ટીવી પર આવે છે, કોઈ અધિકારીનું શર્ટ હજાર-500થી વધારે મોંઘું નથી હોતુ’.
જૂતાની કિંમત છે 2 લાખ રૂપિયા
વાનખેડે પર આરોપ લગાવતા મલિકે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, ‘લૂઈસ વિટનના જૂતાની કિંમત 2 લાખ રૂપિયા છે. તેઓ બૂટ બદલાતા રહે છે. તમે 50 હજારથી શરૂ થતા બરબેરી શર્ટ જોતા હશો. તે પહેરે છે એ ટી-શર્ટની કિંમત 30,000 રૂપિયાથી શરૂ થાય છે. NCP નેતાએ વધુમાં કહ્યું કે, આ તમામ કાર્યવાહી સરકારને બદનામ કરવા માટે છે. નેતાઓને ડરાવવા માટે. અમે સ્પષ્ટ કરીએ છીએ કે, હવે પછીનો વારો અનિલ પરબજીનો છે. નેતાઓને ધાકધમકી આપી સત્તાનો દુરુપયોગ કરવાનું કામ બંધ કરવું જોઈએ. તમે દેશમુખજીની ધરપકડ કરી લીધી છે, કાયદો તેની દિશામાં આગળ વધશે. જો તમે લોકોને છેતરપિંડીથી ફસાવશો, તો વસ્તુઓ સામે આવશે’.
15 કરોડની પાર્ટીના આયોજક કોણ?
નવાબ મલિકે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) પર પણ આકરા પ્રહારો કર્યા અને ઘણા આક્ષેપો કર્યા. ફડણવીસને પ્રશ્નો પૂછતા મલિકે કહ્યું, ‘તમારા કાર્યકાળ દરમિયાન, મુખ્ય પ્રધાન શહેરમાં રાજકીય લોકો શું કરી રહ્યા છે, શહેરમાં શું ચાલી રહ્યું છે તેની બ્રીફિંગ આપતા હતા. હું પૂછવા માંગુ છું કે, 4 સીઝન હોટલમાં સતત પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. તે પાર્ટીના આયોજક કોણ છે? તે પાર્ટીના દરેક ટેબલની કિંમત 15 લાખ હતી. આખી રાત ઉજવણી ચાલી. 15-15 કરોડની પાર્ટીના આયોજક કોણ હતા.’
તેમણે ઉમેર્યું, ‘તમને ખબર ન હતી? તમારા સમયમાં પાર્ટી ચાલતી હતી અને સરકાર બદલાતાની સાથે જ પાર્ટી બંધ થઈ ગઈ હતી. હું પ્રશ્નો ઉઠાવી રહ્યો છું. શું તમને ખબર નથી કે, 15 કરોડની પાર્ટી ચાલે છે? શું તમારી પોલીસ સિસ્ટમ નબળી હતી?તેનો જવાબ આપવો પડશે’.
મલિકે કહ્યું હતું કે, જો આર્યનને લઈને 18 કરોડની ડીલ થઈ છે તો તમે સમજો કે મોટા અભિનેતા-અભિનેત્રીઓમાં કેટલી મોટી ડીલ થઈ હશે. અમે આવનારા સમયમાં વધારે પુરાવા રજૂ કરીશું. બધી કડી ભેગી થઈ રહી છે અને ટૂંક સમયમાં જ આ વિશે ઘટસ્ફોટ કરવામાં આવશે.