National Voters Day Patan

જિલ્લામાં મતદાર સુધારણા યાદી કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવ્યા.

છેલ્લા ત્રણ મહિનામાં જિલ્લાના 18થી 19 વર્ષની વયના 20,748 નવા મતદારોનો મતદાર યાદીમાં સમાવેશ.

કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુલભ, સર્વસમાવેશી અને સહભાગિતાપૂર્ણ ચૂંટણીઓની થીમ પર કરવામાં આવેલી આ ઉજવણી અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર બુથ લેવલ ઓફિસર્સ, સુપરવાઇઝર્સ તથા કર્મચારીઓને જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, બુથ લેવલ ઓફિસર, સુપરવાઇઝર તથા ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ ઉત્તમ કામગીરી કરી રહ્યા છે. 100 વર્ષના સ્વાતંત્ર્ય સંગ્રામ અને અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન બાદ મળેલી આઝાદી અને પ્રજાસત્તાક દેશમાં લોકતંત્રને ધબકતું રાખવા ચૂંટણી પ્રક્રિયાઓમાં દરેક મતદારની ભાગીદારી આવશ્યક છે. સ્વાતંત્ર સેનાનીઓના ગણતંત્રના સ્વપ્નને સાકાર કરવાની આપણને જવાબદારી મળી છે ત્યારે 18 વર્ષથી ઉપરનો એક પણ નાગરિક મતાધિકારથી વંચિત ન રહે તે માટે આપણે સતત પ્રયાસ રહેવાનું છે.

વધુમાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં જિલ્લાના 18થી 19 વર્ષની વયના 20,748 નવા મતદારો જોડાયા છે ત્યારે આગામી ચૂંટણીઓ પહેલા થર્ડ જેન્ડર, દિવ્યાંગજનો તથા 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ નવા મતદારોનો મતદારયાદીમાં મહત્તમ સમાવેશ થાય તે પ્રકારની કામગીરી સુનિશ્ચિત કરવાની છે.

મદદનીશ કલેકટર સચિનકુમારે જણાવ્યું કે, કોઈપણ લોકતાંત્રિક દેશનો પાયો તેના મતદારો છે. દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં મતદારોના મૌલિક અધિકારોના રક્ષણ સાથે મુક્ત, ન્યાયી અને સમયબદ્ધ ચૂંટણીઓ થાય છે ત્યારે તમામ મતદારોની તેમાં ભાગીદારી જરૂરી છે. જિલ્લા કલેક્ટરના આયોજન અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના નેતૃત્વમાં જિલ્લાના મહત્તમ નવા મતદારોની નોંધણી થાય તે દિશામાં કામ કરી સૌને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનાવવાના છે.

ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે જણાવ્યું કે, ધર્મ, જાતિ, પંથ, સંસ્કૃતિ અને ભૌગોલિક વૈવિધ્ય છતાં પસંદગીની સરકાર ચૂંટવાનો સૌને સમાન મતાધિકાર મળ્યો છે. આ માત્ર અધિકાર જ નહીં પણ આપણા સૌની જવાબદારી પણ છે. મત આપવા સાથે આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે જોવાની જવાબદારી પણ મતદારોની છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદે રાજય ચૂંટણી પંચની કામગીરી, ચૂંટણી અને મતદારયાદી સહિતની પ્રક્રિયાઓ માટેના ઓનલાઈન પ્લેટફોર્મ્સ સાથે વિવિધ આંકડાકીય વિગતો રજૂ કરી હતી. રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા આદર્શ આચારસંહિતાના પાલન સાથે કોઈપણ ભેદભાવ કે પ્રલોભન વગર મતાધિકારના ઉપયોગ અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

12મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાએ ઉત્તમ કામગીરી કરનાર બી.એલ.ઓ., સુપરવાઇઝર, નાયબ મામલતદાર તથા કેમ્પસ એમ્બેસેડરને જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટી સહિતના ઉચ્ચ અધિકારીઓના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ જિલ્લા કલેકટર દ્વારા દિવ્યાંગ તથા થર્ડ જેન્ડર મતદારોનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.એમ તુંવર, નાયબ પોલીસ અધિક્ષક જે.ટી. સોનારા, મામલતદાર ચાર્મીબેન પટેલ સહિતના અધિકારીઓ તથા ચૂંટણી અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સાથે જોડાયેલા કર્મચારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.