પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નિકળ્યો છે તેમ છતાં પાટણ નગર પાલિકાના સત્તાધીશો સહિત નગરસેવકો અને વોર્ડ ઈન્સ્પેકટરો મૌન સેવી રહયા છે. ત્યારે પાલિકાના સત્તાધીશોના મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરો સહિત દબાણકર્તાઓ બેફામ બની બિનઅધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાનમાં લીધું છે.
આવા અનઅધિકૃત દબાણો સામે જાગૃત નાગરીકો દ્વારા વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆતો કરેલ છે અને તે અંગે કલેકટર દ્વારા અનઅધિકૃત દબાણોને તોડી પાડવાના કેટલાય હૂકમો કરવામાં આવ્યા છે છતાં પણ આજદીન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો સામે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે.
ત્યારે ગતરોજ પાલિકાના સત્તાધીશો કુંભકર્ણની ગાઢ નિંદ્રામાંથી પીટીએન ન્યુઝના અહેવાલના પગલે જાગીને પાંચ જેટલા દબાણકર્તાઓ સામે લાલઆંખ કરી તેઓના બિન અધિકૃત દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. તેમાંથી શહેરના સુભાષચોક વિસ્તારમાં પટેલ હરીભાઈ ગોવાભાઈએ રહેણાંક મકાનની પાલિકામાં મંજૂરી મેળવ્યા બાદ કોમર્શીયલ બાંધકામ કરવામાં આવતાં પાલિકા દવારા આ બિનઅધિકૃત દબાણને તોડી પાડવામાં આવ્યું હતું.
ત્યારે આવા જ રહેણાંક મકાનની પરમીશન લીધા બાદ જૂના રેડક્રોસની સામે અને જલારામ ચોક પાસે કોમર્શીયલ ૮૦ ટકાથી વધુ બાંધકામ કરવામાં આવ્યું હોવા છતાં પાલિકાના સત્તાધીશો દવારા કોની રહેમ નજર હેઠળ તેઓને દૂર કરવામાં આવતા નથી. આમ પાલિકાના સત્તાધીશો દવારા ગરીબ વ્યકિતઓના અનઅધિકૃત દબાણોને તોડી પાડી સંતોષ માની રહયા છે ત્યારે આવા માલેતુજાર અને રાજકીય વગ ધરાવતાં લોકો સામે પણ સુભાષચોકમાં કરવામાં આવેલી કામગીરીની જેમ તેઓને પણ તોડી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
આમ પાલિકા દવારા દબાણ હટાવવામાં બેધારી નિતી અપનાવવામાં આવતાં પાલિકાના ચીફ ઓફિસર સામે સીધી આંગણી ચિંધાઈ રહી છે. તો શું પાલિકાના ચીફ ઓફિસર વહાલા દવાલાની નીતિ છોડી જૂના રેડક્રોસની સામે રહેણાંક મકાનની મંજૂરી બાદ બાંધવામાં આવેલ કોમર્શીયલ કોમ્પ્લેક્ષા સહિત જલારામ ચોક પાસે પણ રહેણાંક મકાનની મંજૂરી બાદ કોમર્શીયલ કોમ્પ્લેક્ષા બાંધવામાં આવી રહયું છે તેની સામે પણ કાર્યવાહી કરશે કે પછી માત્ર ગરીબોના જ દબાણો હટાવી સંતોષ માનશે? તેવું લોકમુખે ચર્ચાઈ રહયું છે.