પાટણ શહેરના મણિલાલ કરમચંદ જીમખાના ખાતે ગતરોજ જીમખાના દવારા આયોજીત ત્રિદિવસીય સ્કેટીંગ, બેડ મિન્ટન અને ટેનિસની ટુનામેન્ટનો પ્રારંભ થયો હતો. આ ત્રણેય ઈવેન્ટમાં ર૧૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. સ્કેટીંગમાં ૧૧૦, બેડમિન્ટમાં પ૦ અને ટેનિસમાં ૬૦ સ્પર્ધકોએ ભાગ લીધો છે.
અંડર-૧૦, અંડર-૧૪ અને અંડર-૧૮ વયજૂથનાં બાળકોના કૌશલ્યને ખીલવવા માટે યોજાયેલી આ ત્રિદિવસીય સ્પોર્ટસ ઈવેન્ટમાં પ્રથમ દિવસે અંડર-૧૪ની ટેનીસ અને બેડમિન્ટનની ઈવેન્ટ યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, ડીસા, મહેસાણા અને પાટણનાં સ્પર્ધકો આવ્યા હતા. અત્રે સ્પર્ધામાં જીતનારા સ્પર્ધકોને ટ્રોફી તથા સર્ટીફિકેટ અને રનર્સઅપ કે પરાજિતને સર્ટીફિકેટ એનાયત કરાયા હતા.
આ સ્પર્ધકોને ફાસ્ટર સાયકલ તથા શંકુઝ હોસ્પિટલનો સહયોગ પ્રાપ્ત થયો હતો. તો આજરોજ ટેનીસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પર્ધકોએ સુંદર રીતે પોતાનામાં રહેલા કૌશલ્યને ઉજાગર કરી ટેનીસ ટુનામેન્ટ જીતવાના પ્રયાસો હાથ ધર્યાં હતા. તો આ ટેનીસ ટુનામેન્ટના સ્પર્ધકોને પ્રોત્સાહન પુરુ પાડવા નગરપાલિકાના કોપોરેટર મનોજભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિત શહેરના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. તો ત્રિદિવસીય ટુનામેન્ટને લઈ સંતોષ જાદવે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.
આ ઈવેન્ટને સફળ બનાવવા માટે મણિલાલ કરમચંદ જીમખાનાનાં પ્રમુખ કનુભાઈ પોપટ, પ્રશાંત રાવલ, ટુનામેન્ટ સેક્રેટરી મહેશભાઈ પટેલ તથા સંતોષભાઈ જાદવ તથા હરેશભાઈ લિંબાચીયાએ જહેમત ઉઠાવી હતી.