જિલ્લા વહિવટી તંત્રના પ્રયાસો અને જનજાગૃતિના પરિણામે જિલ્લાના ૮૬ જેટલા ગામોમાં રસીકરણની ૧૦૦ ટકા કામગીરી થવા પામી છે ત્યારે આ કામગીરીને વધુ સઘન બનાવવા આગામી ત્રણ દિવસ સુધી જિલ્લાના તમામ રસીકરણ બુથ પર મેગા વેકિ્સનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.
સમી તાલુકાના વાહેદપુરા ખાતે રસીકરણ માટે ઉદાસીનતા દાખવતા ગ્રામજનોને પ્રોત્સાહિત કરવા જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામસભામાં ઉપસ્થિત રહી નાગરીકોને રસીકરણના મહત્વ અને તેની આવશ્યકતા વિશે જાગૃત કર્યાં હતા. ગામમાં ૧૦૦ ટકા રસીકરણ થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીએ ગામના આગેવાનોના સહયોગ અને ગ્રામજનોના સહકારની અપીલ પણ કરી હતી.
જિલ્લાના ૮૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર જિલ્લાના ગામોમાં રસીકરણની ઝડપ વધે અને નાગરિકો સમયસર રસી લઈ કોરોના સામે રક્ષણ મેળવી શકે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મેગા વેકિ્સનેશન ડ્રાઈવ યોજાઈ રહી છે. તા.૦૯, ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ જિલ્લાના ૩૦૦થી વધુ રસીકરણ કેન્દ્રો પર મહત્તમ લોકો રસીકરણ કરાવે તે માટે સુચારૂ આયોજન પણ કરવામાં આવ્યું છે.
રસીકરણ માટે અપીલ કરતાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ જણાવ્યું કે, ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોએ રસીના બંને ડોઝ લેવા જરૂરી છે. તંત્ર દ્વારા રસીકરણ માટે સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે રસી લેવાની બાકી હોય તેવા તમામને કોરોના પ્રતિરોધક રસી લેવા જિલ્લાના તમામ નાગરીકોને અનુરોધ કર્યો હતો.