જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વનો પ્રારંભ ૩ સપ્ટેમ્બરથી ૧૧મી સપ્ટેમ્બર સુધી નવ દિવસ દરમ્યાન ચાલુ થનાર છે જેને લઈ પાટણ પાંજરાપોળ અને જૈન સમુદાયના આગેવાનો દ્વારા આજરોજ કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી પર્યુષણ પર્વ દરમ્યાન કતલખાના બંધ રાખવા જરુરી આદેશ કરવા રજૂઆત કરી હતી.
ગુજરાત રાજયમાં કાયદેસર અને ગેરકાયદેસર રીતે ચાલતાં કતલખાના સંપૂર્ણ રીતે બંધ રાખી નિર્દોષ જીવોની કતલ રોકવા જાહેરનામાં દ્વારા જરુરી આદેશ કરવા અપીલ કરી હતી અને જૈન લઘુમતી સમાજની લાગણીને ધ્યાને રાખી સત્વરે યોગ્ય નિર્ણય કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
આ પ્રસંગે પાટણ પાંજરાપોળના માનદ મંત્રી ધીરુભાઈ શાહે પર્યુષણ પર્વના નવ દિવસ દરમ્યાન જૈન સમાજની લાગણી ન દુભાય તે માટે પાટણ શહેર સહિત જિલ્લાના તમામ કતલખાનાઓ બંધ રાખવા આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.