પાટણ સહિત જિલ્લાના લોકોને હવે હદયરોગના દર્દમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી માટે મહેસાણા કે અમદાવાદ જવું નહીં પડે. પાટણ જિલ્લામાં સૌપ્રથમ પાટણ શહેરમાં જનતા હોસ્પિટલ ખાતે અદ્યતન કેથલેબની આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
મેડિકલ નગરી તરીકે જાણીતા પાટણ શહેરમાં અષાઢી બીજના દિવસથી આરોગ્યની સુવિધાઓમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. પાટણ શહેરની જાણીતી એવી જનતા હોસ્પિટલના હદયરોગ વિભાગમાં રુપિયા ચાર કરોડના ખચે મુંબઈગરા જૈન શ્રેષ્ઠીઓના માતબર દાનના સહયોગ થકી આધુનિક કાડિયાક કેર સેન્ટર (કેથલેબ)ની સુવિધા શરુ કરવામાં આવી છે.
જનતા હોસ્પિટલના ટ્રસ્ટી ડો.પ્રમોદ પટેલની ઉપસ્થિતિમાં પૂજાવિધિ કરીને આ નવો વિભાગ ગતરોજથી કાર્યરત કરાયો હતો અને દિનેશ ચીમનભાઈ પ્રજાપતિ નામના ૬ર વર્ષના દર્દીની સૌપ્રથમ એન્જીયોગ્રાફી કરાઈ હતી. પાટણ જનતા હોસ્પિટલમાં હદયરોગ વિભાગમાં અંદાજીત ચાર કરોડના ખર્ચેજી.ઈ. કંપનીનું અદ્યતન કેથલેબ વસાવાયું છે જેના માટે મુંબઈ વસતા પાટણવાસી શ્રેષ્ઠીઓ એવા નિર્મલ ભોગીલાલ, રંજનબેન બચુભાઈ શાહ, હિતેન પ્રવિણભાઈ શાહ અને બિમલ તથા ભાવેશ વિરેન્દ્રભાઈ શાહ પ્રત્યેક પરિવાર દવારા રુ.પ૦-પ૦ લાખ પ્રમાણે રુપિયા બે કરોડનું માતર દાન માદરે વતન પાટણના લોકોની આરોગ્ય સેવાર્થે આપવામાં આવ્યું છે.
ડો.પ્રમોદ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે પાટણ જનતા હોસ્પિટલમાં એમઆરઆઈ, સીટી સ્કેન, આઈસીયુ જેવી અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપરાંત હવે કરોડોના ખર્ચે કાડિયાક કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.