પાટણ ખાતે સદારામ કન્યા હોસ્ટેલ સમાજના શૈક્ષણિક ઉધ્ધાર માટે બની રહેલ સૌપ્રથમ શૈક્ષણિક સંકુલમાં પાટણ બેતાલીસ ઠાકોર સમાજ ટ્રસ્ટના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે રૂ.25 લાખનું દાન આપ્યું હતું. ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે પૂજ્ય સદારામ બાપા ની જન્મજયંતિના પવિત્ર દિવસે, સમાજની દીકરીઓ ભણી ગણી ખુબ પ્રગતિ કરે અને સમાજની સાથે માતા-પિતા સહિત સમગ્ર વિસ્તારનું નામ રોશન કરે તેવા ઉત્તમ આસાયથી બની રહેલ શ્રી સદારામ કન્યા છાત્રાલય પાટણના નિર્માણ માટે રૂ.25,00,000/- નુ દાન આપી ધન્યતા અનુભવી રહ્યો છુ.
પાટણ ઠાકોર સમાજની હોસ્ટેલ ખાતે સદારામ બાપાની 117મી જન્મ જયંતી નિમિત્તે પાટણ બેતાલીસ ઠાકોર સમાજ ટ્રસ્ટની કારોબારી મીટીંગ યોજાઈ હતી. જેમાં સમાજની દીકરીઓને રહેવા અને ભણવા માટે બની રહેલ સદારામ કન્યા હોસ્ટેલના બાંધકામ માટે ફાળાની સરવાણી વહેતી થઈ રહી છે ત્યારે સમાજના પ્રમુખ ચંદનજી ઠાકોરે રૂ.25 લાખ આપવાની જાહેરાત કરી સદારામ કન્યા હોસ્ટેલમાં માતબર રકમનું દાન આપ્યું હતું.
પાટણ ઠાકોર સમાજ ટ્રસ્ટ પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે કાર્ય કરતું ટ્રસ્ટ છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે સમૂહ લગ્નોત્સવનુ આયોજન થાય છે તે અંતર્ગત છેલ્લા વીસ વર્ષમાં આશરે 3268 કન્યાઓના સમૂહલગ્ન કરાવેલ છે, તેના પ્રમુખ તરીકે ચંદનજી ઠાકોરે છેલ્લા દસ વર્ષથી સમૂહલગ્નમાં ભોજનદાતા બની સેવા કરી છે.
પૂજય સદારામ બાપાના ધામ ટોટાણા ખાતે પાટણ અને બનાસકાંઠા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન સફળતા પૂર્વક પાર પાડવામાં આવેલ છે. સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે રાહત દરે ચોપડાનું વિતરણ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઈનામ વિતરણ વગેરેના સમાજ ઉપયોગી કાર્યો પણ કરવામાં આવે છે.