પાટણ શહેરના હાઈવે સ્થિત અંબાજી નેળીયામાં છેલ્લા ઘણા સમયથી રોડ બિસ્માર હાલતમાં હોઈ સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે ગતરોજ મોડીરાત્રે વીજળીના કડાકા સાથે પડેલા મુશળધાર વરસાદને પગલે અંબાજી નેળીયા વિસ્તારમાં રોડ-રસ્તાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં રસ્તાઓ કાદવ કિચડ અને વરસાદી પાણીના કારણે બંધ થઈ જવા પામ્યા હતા.
જેને લઈને વોર્ડ નં.૧૧ના કોપોરેટર અને ભૂગર્ભ સમિતિના ચેરમેન જયેશ પટેલે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ભરાઈ રહેલા વરસાદી પાણીનો નિકાલ કરી ભૂગર્ભમાં ફસાઈ રહેલા મેણીયા સહિતના કાદવ કિચડને જાતે દૂર કરી અવરોધાઈ રહેલા વરસાદી પાણીને દૂર કર્યા હતા અને ભરાઈ રહેલા વરસાદી પાણી સહિત ખાડાઓને માટીનું પુરાણ કરી તેઓને સમતળ કરી લોકોને આવન-જાવન માટે ખુલ્લા કરવામાં આવ્યા હતા.
ત્યારે સ્થાનિક રહીશ ગૌતમભાઈ પરમારે વોર્ડ નં.૧૧ના કોપોરેટર કામગીરીને જોઈ તેઓ ખુશ થઈ ગયા હતા અને પાટણ શહેરના તમામ વોર્ડ વિસ્તારના તમામ કોપોરેટર વોર્ડ નં.૧૧ના કોપોરેટર ની જેમ જાતે જ પોતાના વોર્ડ વિસ્તારની કાળજી લઈ સાફ સફાઈ હાથ ધરે તો આગામી સમયમાં પાટણ શહેર સ્વચ્છ, સુંદર અને રળીયામણું બની રહેવાની તેઓએ આશા વ્યકત કરી હતી.