પાટણ શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધા વગર ચાલતા હોસ્પિટલ તેમજ શાળાઓને નગરપાલિકા દ્વારા એન.ઓ.સી લેવા માટે નોટિસ આપવા છતાં સંચાલકો અને જે તે માલિકો દ્વારા તેની ગંભીરતા ના લેતા બુધવારે નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. હોસ્પિટલો અને શાળાઓ મળી ર૦ સ્થળોના કનેક્શન કાપવા માટે પાલિકાની ટિમે કાર્યવાહી શરૂ કરી હતી. શહેરની જનરલ હોસ્પિટલ તેમજ અન્ય સરકારી સંસ્થાનોનો પણ સમાવેશ થાય છે.
રાજ્યમાં આગની દુર્ઘટનાઓમાં મોતની ઘટનાઓને રોકવા રાજ્ય અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ ર૦૧૩ મુજબ શાળા અને હોસ્પિટલોમાં ફરજિયાત ફાયર સેફ્ટીની સુવિધા રાખવા અને એન.ઓ.સી લેવા માટે આદેશ કરવામાં આવેલ હોઈ પાટણ નગરપાલિકા દ્વારા સર્વે બાદ ફાયર સેફટીની સુવિધા વગરના શહેરના હોસ્પિટલ અને સ્કૂલોને ફાયર સેફ્ટીની એન.ઓ.સી લેવા માટે નોટિસો આપવામાં આવી હતી.
નોટિસ બાદ પણ ૪ હોસ્પિટલ અને ૧૬ શૈક્ષણિક સંસ્થાના સંચાલકો દ્વારા એન.ઓ.સી લેવામાં ન આવતા નગરપાલિકા દ્વારા નિયમ મુજબ વીજળી, પાણી અને ગટરના કનેકશન કાપવા માટેની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અનુસંધાને બુધવારે પાલિકાની ટીમ ફાયર સેફટી વગરના ર૦ સ્થળોના કનેકશન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં સુભદ્રાનગરમાં ખાનગી હોસ્પિટલના તેમજ હાંસાપુર વિસ્તારમાં સ્કૂલોના કનેક્શન કાપવામાં આવ્યા હતા. તેવું ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ જણાવ્યું હતું.
પાટણ શહેરની જનરલ હોસ્પિટલ અને અન્ય લાયબ્રેરી અને વાકેશનલ સેન્ટર જેવી સરકારી કચેરીમાં પણ ફાયર એનઓસી નથી તેઓ સામે આવ્યું છે. તો રોજના ચાર ભૂગર્ભ અને ચાર પાણીના કનેકશનો કાપવાની કામગીરી જુદી જુદી બે ટીમો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ભૂગર્ભની ટીમ દ્વારા પાયોનિયર સ્કૂલ, પ્રેરણા મંદિર સ્કૂલ સહિત સરકારી લાયબ્રેરીના ભૂગર્ભના કનેકશનો કાપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
તો આ અંગે ચીફ ઓફિસરને પુછપરછ કરવા તેઓના મોબાઈલ પર સંપર્ક કરવા તેઓએ ફોન રીસીવ ના કરી આ સમગ્ર બનાવ પર પડદો નાંખવાના પ્રયત્નો પણ કર્યા હતા.