પાટણ તાલુકાના કાંસા સેજાની આંગણવાડીની બહેનોને આંગણવાડીના સમય પછી પીએચસી સેન્ટર પર તાલીમ માટે બોલાવી તેઓની સાથે ઉદ્ઘતાઈ ભર્યુંવર્તન કરનારા પીએચસી સેન્ટરના એકાઉન્ટન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગુરૂવારના રોજ પાટણ જિલ્લા આંગણવાડી કર્મચારી સંધ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કાંસા સેજાની આંગણવાડી બહેનોને આંગણવાડીના સમય પછી સેન્ટર પર તાલીમ માટે તા.૧૦ ઓગસ્ટના રોજ બોલાવવામાં આવી હતી ત્યારે સવારથી ખાધા પીધા વગર ફરજ બજાવી તાલિમ માટે હાજર આંગણવાડી કાર્યકરો સાથે પીએચસી સેન્ટરના ફરજ બજાવતા એકાઉન્ટન્ટ આશિષભાઈ પ્રજાપતિ દ્વારા ઉધ્ધતાઈ પુર્વક વર્તન કરી કાર્યકરો
સાથે ગેરવર્તણૂક કરી ઓફિસની બહાર ધકેલી દરવાજો બંધ કરી દીધો હોય જે બાબતે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પાટણ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ સહિત ના કર્મચારીઓ દ્વારા ડીડીઓ ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.