પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ધો.૬ થી ૮ના વિદ્યાર્થીઓ કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તે માટે રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી પ૦,૦૦૦ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના હસ્તે શાળાઓમાં વિતરણ માટે શિક્ષણ તથા આઈ.સી.ડી.એસ. વિભાગને માસ્ક સુપ્રત કરવામાં આવ્યા હતા.
કોરોના વાયરસના સંક્રમણથી બચવા માસ્ક સૌથી જરૂરી બાબત છે. કોરોના મહામારીની બીજી લહેર બાદ હાલ સ્થિતિ કાબુમાં છે ત્યારે શિક્ષણકાર્ય સતત ધબકતું રહે તે માટે રાજ્ય સરકારની સુચના મુજબ કોવિડ-૧૯ની ગાઈડલાઈનના પાલન સાથે ધોરણ ૬ થી ૮માં શિક્ષણકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. કોરોના મહામારીમાં વિવિધ ક્ષેત્રે મદદરૂપ થવા સંસ્થાઓનો મહત્વનો ફાળો રહેલો છે ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જિલ્લાના બાળકો માટે પ૦,૦૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના હસ્તે તાલુકા શિક્ષણ અધિકારીઓ અને શાળાના આચાર્યઓ તેમજ આઇસીડીએસ વિભાગને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મળેલ માસ્ક બાળકો સુધી પહોંચાડવા માટે વિતરણ કરવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અગાઉ ૭,૦૦૦ જેટલી રાસન કીટ, ૧.૮૦ લાખ જેટલા માસ્ક અને અંદાજિત ૪૦,૦૦૦ જેટલા સેનીટાઇઝરનું વિતરણ કરી કોરોના મહામારી સામે લડતમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી.