પાટણ નગરપાલિકા હસ્તકના જીમખાના ખાતે અનેક રમતોનું આયોજન કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા દ્વારા પણ જીમખાના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જીમખાનામાં રમત રમેલા ખેલાડીઓ આજે સમગ્ર દેશમાં ગુજરાત અને પાટણ નું ગૌરવ વધારી રહ્યા છે
ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા જીમખાના ખાતે ૧૩ લાખ રૂપિયાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ૧૪માં નાણાપંચની વર્ષ ર૦૧૮/૧૯ ની રૂપિયા ૧૦ લાખની ગ્રાન્ટમાંથી કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો સાથે સાથે સ્વણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી-૮૮ વર્ષ ર૦૧૭/૧૮ની ૩ લાખ રુપિયાની ગ્રાન્ટ માંથી બ્લોક પેવિંગની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યું હતુંકે જીમખાનામાં રમતો રમીને અનેક ખેલાડીઓ પાટણનું ગૌરવ સમગ્ર દેશ અને વિદેશમાં પણ વધાયું છે. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ,મનોજભાઈ પટેલ, દેવચંદભાઈ પટેલ સહિત જીમખાનાના સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.