પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરી કેમ્પસમાં સોમવારના રોજ એક જ પરિવારના 5 સભ્યો દ્વારા ઝેરી દવા ગટગટાવી સમૂહમાં આત્મવિલોપનનો પ્રયાસ કરવાના મામલે પરિવારના તમામ સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ત્યાં બે દિવસ સારવાર આપ્યા બાદ પરિવારના પાંચ સભ્યોની હાલત નાજુક જણાતાં તમામને બુધવારના રોજ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. પાંચ સભ્યો પૈકી બે સભ્યોને એપોલો હોસ્પિટલમાં તેમજ ત્રણ સભ્યોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા. ગુરુવારની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયેલા પરિવારની 12 વર્ષની દીકરી ભાનુ પરમારનું સારવાર દરમિયાન મોત નીપજયું હોવાનું આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
પરિવારના અન્ય ચાર સભ્યો ની હાલત પણ નાજુક હોય મૃતક માસુમની લાશને અંતિમવિધિ માટે પોતાનાં માદરે વતન ખાખલ ગામે લાવવામાં આવતા પરિવાર નાં સગા સંબંધી અને સ્નેહિજનો માં ધેરા શોક ની કાલીમા છવાઈ જવા પામી હતી તો પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
જાણો સમગ્ર ઘટના શું છે : પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે કાર્યરત મહિલા પોલીસ સ્ટેશનની બહાર સોમવારના રોજ એક પિતાએ પોતાના ચાર સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ મચ્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરનાર શખ્સે પોતાની પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ હારીજ પોલીસ મથકે નોંધાવી હોય જેની આજ દિન સુધી કોઈ ભાળ ન મળતા તેના વિયોગમાં જ જિલ્લા પોલીસ વડા ની કચેરી નાં કેમ્પસમાં જ આ પગલું ભર્યાની આશંકા સેવવામા આવી રહી છે.
આ બાબતે પોલીસ દ્વારા મળતી હકીકત મુજબ હારીજ તાલુકાના ખાખલ ગામના રહેવાસી રેવાભાઈ છનાભાઈ પરમારના પત્ની આશાબહેન અને તેની સાત વર્ષની પુત્રી જાનકી ને લઈ એક વર્ષ પહેલા કમલેશ ગોસ્વામી નામના શખ્સ સાથે ભાગી ગયા હતા. જે અંગે 13 ઓકટોબર 2021ના રોજ રેવાભાઈ દ્વારા હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામા આવી હતી. તેમ છતાં તેની પત્નીનો કોઈ પત્તો ના લાગતા તેઓ પોતાની ત્રણ પુત્રી અને એક પુત્ર સાથે પાટણ જિલ્લા પોલીસ વડા ની કચેરી ખાતે રજૂઆત માટે આવ્યા હતા.
પાટણ એસપી કચેરી સંકુલમાં રજૂઆત માટે આવેલા રેવાભાઈએ કોઈ કારણોસર પોતાના ચારેય સંતાનો સાથે ઝેરી દવા પી લેતા જિલ્લા પોલીસ વડા ની કચેરી કેમ્પસમાં દોડધામ મચી હતી. અને સામૂહિક આત્મહત્યાની કોશિષ કરનાર એક જ પરિવારના પાંચેયને ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.