પાટણ જિલ્લામાં એકબાજુ વરસાદ ખેંચાતા જગતના તાતનો પાક સુકાઈ રહયો છે તો બીજીતરફ સરકારી બાબુઓની બેદરકારીને લઈ હજારો લીટર પાણી વેડફાઈ રહયા હોવાની પણ ઘટના આજરોજ સામે આવી હતી. રાધનપુર તાલુકાના સાતુન ગામની સીમમાંથી પસાર થતી નાની પીંપળી ડીસ્ટ્રીકટ કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડુ પડતા હજારો લીટર પાણીનો દુષ્કાળ જેવી આપત્તિ સમયે વ્યય થવા પામ્યો હતો.
છેલ્લા પંદર દિવસમાં ત્રીજી વખત ડીસ્ટ્રીકટ કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોના પાકોને મોટુ નુકશાન થવા પામ્યું છે. એકબાજુ દુષ્કાળની પરિસ્થિતિમાં કેનાલમાં પડેલ ભ્રષ્ટાચારના ગાબડાથી લાખો લીટર પાણીના બગાડ સાથે જગતના તાતના મહામુલા પાકને નુકશાન થવા પામ્યું હતું. કોન્ટ્રાકટર અને અધિકારીઓની મીલીભગતને લઈને વારંવાર કેનાલમાં પડતા ગાબડાથી જગતનો તાત ચિંતીત બની જવા પામ્યો છે.
નર્મદાના અધિકારીઓને કેનાલમાં પડેલ ગાબડાની જાણ કરવા છતાં કોઈ જ અધિકારી ન ફરકતાં ખેડૂતોમાં અધિકારીઓ પ્રત્યે રોષ પણ જોવા મળ્યો હતો. તો વારંવાર કેનાલમાં પડતા ગાબડાને લઈને ખેડૂતોમાં નર્મદા નિગમ સામે આક્રોશ પણ જોવા મળ્યો હતો. તો નર્મદાની કેનાલમાં પડેલુ ગાબડુ નર્મદા વિભાગ દ્વારા રીપેર કરવામાં ન આવતાં જગતના તાતને પોતાના મહામુલા પાકને બચાવવા ખેડૂતોએ જાતે જ કેનાલ રીપેરી કરવા મજબૂર બન્યા હતા.