પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નિકળ્યો છે તેમ છતાં પાટણ નગર પાલિકાના સત્તાધીશો સહિત નગરસેવકો અને વોર્ડ ઈન્સ્પેકટરો મૌન સેવી રહયા છે. ત્યારે પાલિકાના સત્તાધીશોના મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરો સહિત દબાણકર્તાઓ બેફામ બની બિનઅધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાનમાં લીધું છે.
આવા અનઅધિકૃત દબાણો સામે જાગૃત નાગરીકો દ્વારા વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆતો કરેલ છે અને તે અંગે કલેકટર દ્વારા અનઅધિકૃત દબાણોને તોડી પાડવાના કેટલાય હૂકમો કરવામાં આવ્યા છે છતાં પણ આજદીન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો સામે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે.
ત્યારે પાલિકાના સત્તાધીશો આજરોજ એકાએક કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને શહેરના પાંચ જેટલા દબાણોને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે પાટણ શહેરમાં ગેરકાયદેસર દબાણો પર નગરપાલીકા તંત્રએ લાલ આંખ કરી શહેરમાં પાંચ જેટલા ગેરકાયદે દબાણો જેસીબી દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે.
જે અંતર્ગત શહેરના તિરુપતિ નગરના મકાન નં પના મકાન માલિકે તંત્રની મંજૂરી વગર કરેલ ર૦ ફૂટનું દબાણ જેસીબી મશીનથી તોડી પડાયું હતું. તો ગોલ્ડન ચોકડી પર આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્ક્ષનું ગેરકાયદે ભોંયરૂ પણ તોડી પાડવામાં આવ્યું હતું. આ અંગે ટાઉન પ્લાનીંગ અધિકારીએ ૬૬ કેવીની નીચે કરવામાં આવેલા દબાણને ભવિષ્યમાં કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મંજૂરી મેળવી દ બાણને દુર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
તદઉપરાંત પાટણ શહેરના સુભાષચોક ચોકડી પર બનાવવામાં આવી રહેલા કોમ્પ્લેક્ષામાં રહેણાંકની મંજૂરી મેળવ્યા બાદ કોમનશીયલ બાંધકામ થતું હોઈ માલિકને નોટીસ પાઠવી બાંધકામ અટકાવવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીન દ્વારા કોમનશીયલ કરવામાં આવી રહેલા પીલ્લરો અને ગોઠવવામાં આવેલા ધાબાના સેન્ટીંગને તોડી પાડવામાં આવ્યા હતા.
આ અંગે પટેલ હરીભાઈ ગોવાભાઈએ જણાવ્યું હતું કે અમે રહેણાંકની નગરપાલિકામાં મંજૂરી મેળવી હતી પરંતુ હજુ બાંધકામ પણ પુરેપુરુ થયું ન હોવા છતાં નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવતાં ૧૪ લાખનું નુકશાન થતાં ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવવાનું પણ જણાવ્યું હતું.
આમ, પાટણ શહેરમાં આ જ પધ્ધતિથી જૂની રેડક્રોસની સામે અને જલારામ મંદિર ચોક પાસે રહેણાંકની મંજૂરી મેળવ્યા બાદ સ્પષ્ટપણે કોમનશીયલ બાંધકામ કરવામાં આવી રહયું હોવા છતાં તંત્ર કેમ મૌન સેવી રહી છે? તેવા પણ પ્રશ્નો ઉદભવવા પામ્યા છે. અને આ કોમનશીયલ કોમ્પ્લેક્ષા ૮૦ ટકાથી વધુ બની ગયા હોવા છતાં અને રોજેરોજ તેનું કામકાજ પણ ચાલુ હોવા છતાં તંત્રનું મૌન ઘણું બધું કહી જાય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહયું છે.
આમ, પાલિકા દવારા એક કોમ્પલેક્ષામાં રહેણાંક મકાનની મંજૂરી મેળવતાં કોમનશીયલ બાંધકામની સામે લાલ આંખ કરી તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે જયારે અન્ય બે કોમ્પ્લેક્ષાો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતાં નગરપાલિકાની બેધારી નીતિ સામે પણ બુદ્ધિજીવીઓના પ્રશ્નો પણ ઉઠવા પામ્યા છે.