પાટણ(patan) શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ગતરોજથી વરસાદ મુશળધાર પડી રહયો છે ત્યારે પાલિકા દવારા ચોમાસા પૂર્વે કરવામાં આવેલા મોન્સુન પ્રિ-પ્લાનની પોલ વરસાદે ખોલી દેતાં માત્ર કાગળ પર જ મોન્સુન પ્રિ-પ્લાન કરવામાં આવ્યો હોય તેવું પ્રથમ વરસાદમાં જ જોવા મળ્યું હતું.
પાટણ શહેરના પ્રથમ ગરનાળા પાસે વરસાદી પાણી ન ભરાય તે માટે ભૂગર્ભ ચેમ્બર બનાવી વરસાદી પાણીનો પાલિકા દ્વારા નિકાલ કરવામાં આવતો હોય છે પરંતુ મોન્સુન(monsoon) પ્રિ-પ્લાન અંતર્ગત આ તમામ ભૂગર્ભ ચેમ્બરોની સફાઈ કરી હોવાના પાલિકાના દાવાઓનો પ્રથમ વરસાદમાં જ ફિયાસ્કો જોવા મળ્યો હતો.
પ્રથમ ગરનાળામાં બે ઈંચ વરસાદ(rain)માં જ ગરનાળુ ભરાઈ જતાં લોકોને આવવા જવામાં મોટી સમસ્યા ઉદભવી હતી જેના કારણે અહીંથી આવવા જવા માટેનો વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો. આમ પાલિકા દ્વારા વારંવાર આવી સમસ્યાઓ ઉદભવતી હોવા છતાં પાલિકાની નિષ્કાળજી અને અણવહીવટને લઈ આજે શહેરીજનોને પરેશાનીનો સામનો કરવો પડયો હતો.
આનંદ સરોવરની સામે તાજેતરમાં શેત્રુંજય ફલેટ પાસે ભરાઈ રહેતા વરસાદી પાણી(water)ના નિકાલ માટેની સ્ટ્રોમ ડ્રેનેજ પાઈપ નાંખવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાકટર દ્વારા કામ પુરુ થઈ ગયા બાદ ખોદેલા ખાડાઓનું યોગ્ય પુરાણ ન કરાતાં અને ઉપર છલ્લી માટી નાંખીને પુરાણ કરતાં પ્રથમ વરસાદ પડવાથી આ તમામ રોડો પર ભુવાઓ પડી જતાં સ્થાનિક વેપારીઓ સહિત રાહદારીઓએ ખૂબજ હાલાકીઓનો સામનો કરવો પડયો હતો. આમ પાલિકા દ્વારા આવા કોન્ટ્રાકટર સામે લાલઆંખ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.