પાટણ શહેરના હાઈવે વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજય જોવા મળી રહયું છે ત્યારે સફાઈ કામદારો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક ન કરતાં આજે હાઈવે વિસ્તારો ગંદકીથી ખદબદી રહયા છે.
એટલું જ નહીં હાઈવે વિસ્તારની સોસાયટીઓમાં પણ ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી પાલિકાની ગાડીઓ અનિયમિત જતી હોવાની સ્થાનિક લોકોની બૂમરાડ ઉઠવા પામી છે ત્યારે હાંસાપુર વિસ્તારમાં પણ છેલ્લા કેટલાક સમયથી ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા નગરપાલિકાના છોટાહાથી અનિયમિત અને નહીં જતાં સ્થાનિક લોકો દ્વારા વોર્ડ નં.પના કોપોરેટર અને કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલને રુબરુ બોલાવી પરિસ્થિતથી વાકેફ કર્યાં હતા.
ત્યારે કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે હાઈવે વિસ્તારોમાં સફાઈ કર્મીઓ દ્વારા પોતાની ફરજ પ્રત્યેની બેદરકારી અને છોટાહાથીના ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની અનિયમિતતાને લઈ તમામ સફાઈ કર્મીઓને છોટાહાથીઓના ડ્રાઈવરોને પાલિકા પ્રમુખની ચેમ્બરમાં બોલાવી તેઓની બેદરકારી અને નિષ્કાળજીને લઈ પાલિકા ઉપર કલંક લાગી રહયું હોવાનો ઠપકો આપી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવા આહવાન કર્યું હતું અને સવારે સાત થી સાંજના ચાર વાગ્યા સુધી બને તેટલા વધુ ડોર ટુ ડોર કચરાના ફેરા કરવા ડ્રાઈવરોને સૂચના આપવામાં આવી હતી.
તો વાહન શાખાના કલાર્ક નીતિન રામીને બોલાવતાં છોટાહાથીના ડ્રાઈવરો દિવસના માત્ર બે જ ફેરા કરતા હોવાનો ઘટસ્ફોટ કર્યાં હતો. ત્યારે કારોબારી ચેરમેને દિવસમાં ચાર થી વધુ તમામ ડ્રાઈવરોને ફેરા કરી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવા સૂચનાઓ આપવામાં આવી હતી અને હવે પછી કોઈ ડ્રાઈવર કે સફાઈ કર્મી પોતાની ફરજ પ્રત્યે બેદરકારી કે નિષ્કાળજી રાખતો જણાશે તો તેને ફરજ મોકુફ કરવાની પણ સૂચના વોર્ડ ઈન્સ્પેકટરોને આપવામાં આવી હતી.