પાટણથી મહેસાણા વચ્ચે લોકલ ટ્રેન સુવિધા છેલ્લા બે વર્ષથી બંધ થઈ ગયેલ હોવાથી મુસાફરો ઘણી પરેશાની ભોગવી રહ્યા હતા. તેમજ અન્ય વાહનોમાં મુસાફરી કરવી પડી રહી હતી. ત્યારે તાજેતરમાં રેલવે ટ્રેકનું ઈલેક્ટ્રીફિકેશન પૂર્ણ થઈ ગયા પછી આખરે પશ્ચિમ રેલવે દ્વારા પાટણ અને મહેસાણા વચ્ચેની લોકલ ટ્રેનો શરૂ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી 29 એપ્રિલથી આ ટ્રેનો શરૂ થઈ જશે અને તેનું ટાઇમટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને લઇ લોકોમાં રાહતની લાગણી અનુભવી હતી. જોકે રેલ્વે ઓથોરિટી સુધી આ જાણકારી હજુ પહોંચી ન હોવાનું ફરજ પરના અધિકારીએ જણાવ્યું હતું. જોકે રાજકીય સ્તરેથી પુષ્ટિ મળી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે પાટણ-મહેસાણા-અમદાવાદ વચ્ચે કોરોના શરૂ થયો ત્યારે માર્ચ 2020થી રેલવે વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી અમદાવાદની બે ટ્રેનના બદલે એક ટ્રેન શરૂ કરવામાં આવી હતી. પરંતુ પાટણ અને મહેસાણા વચ્ચે લોકલ ટ્રેન શરૂ થઈ ન હતી. જેના માટે રેલ્વે પેસેન્જર એસોસિએશનના હર્ષદ ખમાર, રેલવે બોર્ડના સભ્ય સુરેશ પટેલ, સંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને ડો.કિરીટ સોલંકી દ્વારા રજૂઆત થઇ હતી. જેમાં આખરે રેલવે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
જોકે સોશિયલ મીડિયામાં ચાલી રહેલા પશ્ચિમ રેલવે જનરલ મેનેજરના જાહેરનામાં અંગે અમદાવાદ ખાતેના રેલવેના પબ્લિક રિલેશન ઓફિસર જિતેન્દ્ર જૈન તેમજ પાટણ રેલવે સ્ટેશન અધિકારીને પૂછતા તેમના સુધી આ જાણકારી પહોંચી ન હોવાનું જણાવ્યું હતું. જોકે સંસદ સભ્ય કાર્યાલય તેમજ રેલવે બોર્ડના સભ્ય સુરેશ પટેલ દ્વારા 29 એપ્રિલથી લોકલ ટ્રેનો શરૂ થશે તેવી પુષ્ટિ મળી હતી.
આ સમયપત્રક મુજબ ટ્રેનો ચાલશે
ટ્રેન નંબર 09475 મહેસાણાથી પાટણ જવા માટે સવારે 8:30 કલાકે ઉપડશે. 8:43 કલાકે ધિણોજ, 8:48 કલાકે સેલાવી, 8:55 કલાકે રણુંજ,9:04 કલાકે સંખારી થઈ 9:20 કલાકે પાટણ પહોચશે.
ટ્રેન નંબર 09476 પાટણથી 16:40 કલાકે ઉપડશે. 16:46 કલાકે સંખારી, 16:52 કલાકે રણુંજ, 17:01 કલાકે સેલાવી, 17:07 કલાકે ધિણોજ થઈ 17:30 કલાકે મહેસાણા પહોંચશે.
ટ્રેન નંબર 09481 મહેસાણાથી પાટણ જવા સાજે 18:05 કલાકે ઉપડશે. 18:17 કલાકે ધિણોજ, 18:23 કલાકે સેલાવી, 18:32 કલાકે રણુંજ, 18:40 કલાકે સંખારી થઈ ને 19:00 કલાકે પાટણ પહોંચશે.
ટ્રેન નંબર 09482 પાટણથી 7:30 કલાકે ઉપડશે. 07:36 કલાકે સંખારી, 07:42 કલાકે રણુંજ, 07:51 કલાકે સેલાવી, 07:57 કલાકે ધિણોજ થઈ 08:29 કલાકે મહેસાણા પહોંચશે.
ટ્રેન નંબર 09483 મહેસાણાથી પાટણ જવા માટે સવારે 6:05 કલાકે ઉપડશે. 6:21 કલાકે ધિણોજ, 6:28 કલાકે સેલાવી, 6:38 કલાકે રણુંજ, 6:45 કલાકે સંખારી થઈ 7:05 કલાકે પાટણ પહોંચશે.
ટ્રેન નંબર 09484 પાટણથી 19:20 કલાકે ઉપડશે. 19:26 કલાકે સંખારી, 19:32 કલાકે રણુંજ 19:41 કલાકે સેલાવી, 19:47 કલાકે ધિણોજ થઈ 20:20 કલાકે મહેસાણા પહોંચશે.