ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ
સીમાવર્તી પાટણ જિલ્લામાં બોર્ડર, હાઈવે તથા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરી
પાટણ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ. પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ રજૂ કરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્ય મંત્રીએ જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્ય મંત્રીને માહિતી આપતાં જણાવ્યું હતું કે, સરહદ સાથે જોડાયેલા પાટણ જિલ્લામાં ઈન્ટેલિજન્સ સેવાઓ સારી બને તે માટે અખંડ ભારત પોલીસ મિત્ર યોજના અંતર્ગત ૪૦ પોલીસ જવાન, ૧૨૫૦ ગ્રામ રક્ષક દળના જવાનો તથા ૭૫૦ હોમગાર્ડના જવાનો કામગીરી કરી રહ્યા છે. સાથે જ પગીની મદદ અને બી.એસ.એફ. સાથે પોલીસ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે.
વાહનચોરી અને ઘરફોડ ચોરીઓના ડિટેક્શન માટે મહત્વપૂર્ણ સાબિત થયેલા વિશ્વાસ પ્રોજેક્ટની માહિતી આપતાં પોલીસ અધિક્ષકએ જણાવ્યું કે, વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ પાટણ, રાધનપુર અને સિદ્ધપુર શહેર ખાતે કુલ ૯૧ સ્થળોએ ૪૯૬ સી.સી.ટી.વી. કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવશે. હાલ ૨૪ કલાક કાર્યરત એવા કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર પર સતત મોનિટરીંગના કારણે જિલ્લામાં ચેઈન સ્નેચિંગ, લૂંટ અને ચોરી જેવી ઘટનાઓમાં સતત ઘટાડો થવા પામ્યો છે.
જિલ્લામાં ગુનાખોરી તથા કાયદો અને વ્યવસ્થા વિશેની આંકડાકિય માહિતી અને સ્થિતિ ઉપરાંત પોલીસ અધિક્ષકએ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા માનવીય અભિગમ દાખવી કોરોના વાયરસ મહામારી દરમ્યાન ઓક્સિજનની વ્યવસ્થા અંગે ગૃહ રાજ્ય મંત્રીને અવગત કરાવ્યા હતા. ઉપરાંત નૈતિક ફરજના ભાગરૂપે વ્યસનમુક્તિ માટે ગામ દત્તક લીધા હોવાનું પણ જણાવ્યું હતું.
ક્રાઈમ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવેલી વિગતોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપતાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, વિશ્વાસ પ્રોજેક્ટના સુચારૂ ઉપયોગ થકી ઘરફોડ ચોરીના મહત્તમ ડિટેક્શન થાય તે જરૂરી છે. ખેડૂતોની જમીન હડપ કરી લેનારા આરોપીઓને ઝડપી લઈ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવી આવશ્યક છે. સાથે જ લોંગ ટર્મ વિઝા પર આવેલા નાગરિકોનું રસીકરણ તથા તેમના અનાજ-રાશન અને શિક્ષણની વ્યવસ્થા કરવા ગૃહ રાજ્ય મંત્રીએ પોલીસ અધિકારીઓને સુચન કર્યું હતું.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં તથા કોરોના વાયરસ મહામારીની સ્થિતિમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓને ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
મિડીયાકર્મીઓને વિગતો આપતાં ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, બોર્ડર તથા કચ્છ જિલ્લા સાથે જોડાયેલા પાટણ જિલ્લામાં હાઈવે પર થતી ચોરીઓ અને લૂંટ બંધ થાય તે માટે પોલીસ વિભાગ ઉત્તમ કામગીરી કરી રહ્યો છે. સાથે જ રાજ્ય સરકારની દારૂની બદીમુક્ત ગુજરાતની ઈચ્છાને પરિણામલક્ષી સ્વરૂપ આપવા દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરવા પોલીસ વિભાગ કટીબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા પોલીસ દ્વારા માં રૂ.૮૨.૫૩ લાખના ઘરફોડ ચોરીના ૧૨૦ ગુના તથા લૂંટના ૧૩ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. જ્યારે ૦૪ જેટલી ડફેર ગેંગને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. સાથે જ છેલ્લા દોઢ વર્ષમાં જુગારના ૫૭૨ કેસ દાખલ કરી રૂ.૧.૩૬ કરોડ જેટલી રકમ જપ્ત કરી છે. દારૂબંધીના કડક અમલીકરણ માટે ગત વર્ષે પ્રોહિબિશન એક્ટ હેઠળ ૫,૬૪૮ ગુના નોંધવામાં આવ્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં અપહરણ કરાયેલા ૫૦૩ લોકોનો પોલીસે અપહ્યત પાસેથી છુટકારો કરાવ્યો અથવા શોધી કાઢ્યા છે.
હાલ સૌથી વધુ ફ્રોડના કેસ સોશિયલ મિડીયાના માધ્યમથી થઈ રહ્યા છે તેવા સમયમાં પાટણ પોલીસના સાયબર ક્રાઈમ સેલ દ્વારા સાયબર ફ્રોડના કિસ્સાઓમાં કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડવા સાથે છેતરપીંડીનો ભોગ બનેલા લોકોને રૂપિયા પરત અપાવ્યા છે. ગેરકાયદે બાયોડિઝલ વેચાણના ૦૪ કેસમાં રૂ.૦૮.૪૭ લાખના બાયોડિઝલ સહિત રૂ.૨૨.૮૨ લાખનો મુદ્દામાલ પોલીસ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.
આ ક્રાઈમ કોન્ફરન્સમાં રેન્જ આઈ.જી. જે.આર.મોથલિયા, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, નાયબ પોલીસ અધિક્ષકઓ સહિતના પોલીસ વિભાગન ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.