પાટણ શહેરના હાઈવે સ્થિત હરીહર મહાદેવથી ડીસા હાઈવેને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોઈ સ્થાનિક રહીશો દ્વારા પાલિકા સહિત ચૂંટાયેલા કોપોરેટરો અને કલેકટરને અનેક વખત લેખિત અને મૌખિક ફરિયાદો કરી આ રોડનું નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે હરીહર મહાદેવનો માર્ગ બિસ્માર હોવાથી ચોમાસા દરમ્યાન આ રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશો સહિત હરીહર મહાદેવ મંદિરમાં આવતા જતા દર્શનાથીઓ અને આ જ રોડ પર હરીહર સ્મશાન ભૂમિ આવેલી હોવાથી ચોમાસા દરમ્યાન મરદાને લઈને જતા ડાઘુઓને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
તો કેટલીકવાર વધુ વરસાદને લઈ ડાઘુઓને મૃતકની અન્યત્ર અંતિમ સંસ્કાર કરવાની પણ ફરજ પડતી હોવાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે હરીહર મહાદેવથી ડીસા હાઈવે માર્ગને જોડતો નવિન રોડ બનાવવા પાટણના એકિટવ ધારાસભ્યને સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી. જેને પગલે પાટણના એકિટવ ધારાસભ્ય ડો.કિરીટ પટેલે પ્રજાની સુખાકારી માટે પોતાની ગ્રાન્ટમાંથી નવિન પેવર રોડ બનાવવા મંજૂરી આપી હતી જેને લઈ આજરોજ પાટણના ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક રહીશોની આગેવાની હેઠળ નવીન પેવર રોડ બનાવવાની કામગીરીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
ત્યારે ધારાસભ્યની પ્રશંસનીય કામગીરી બદલ સ્થાનિક બાળાઓ દ્વારા તેઓને પુષ્પગુચ્છ આપી તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. અને ધારાસભ્યએ કોન્ટ્રાકટરને ચોમાસા પૂર્વે દશથી પંદર દિવસમાં હરીહર મહાદેવથી ડીસાને જોડતા માર્ગના નવિન પેવર રોડની કામગીરી પૂર્ણ કરવા પણ સૂચના આપી હતી.