પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી મેઘરાજાએ બીજા રાઉન્ડની શરૂઆત કરી છે. ત્યારે ગુરુવારની વહેલી સવારથી પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે.
ભારે વરસાદના પગલે પાટણ શહેરના બંને ગરનાળામાં પાણી ભરાઈ જતા રસ્તા બંધ થઇ ગયા હતા. જેના કારણે યુનિવર્સીટી રોડથી પાલિકા બજાર રોડ પર ટ્રાફિક જામ થતા રોડ પર વાહનોની લાઈનો લાગી હતી. જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ થયું છે. પાલનપુર કલેક્ટરે જિલ્લાના તમામ અધિકારીઓને ચાર દિવસ દરમિયાન હેડક્વાર્ટર ન છોડવા માટેની સૂચના આપી છે.
આજે વહેલી સવારથી જ મેધરાજાએ પાટણ, સિદ્ઘપુર અને સરસ્વતી પંથકમાં મનમૂકીને પધરામણી કરતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ છે. જ્યારે ભારે વરસાદના પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા શહેરીજનોને અનેક યાતનાઓ ભોગવવી પડી હતી. તો પાલિકાનાં પિ્ર-મોન્સુનની ભષ્ટ્રાચારી કામગીરીની પોલ ઉઘડી થઇ હતી.
ગુરૂવારના રોજ ગાજવીજ સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદનાં કારણે શહેરનાં રેલવે ગરનાળા, કોલેજ રોડ પર બનાવાયેલા અંડરબિ્રજ સહિતના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થયેલા જોવા મળ્યા હતા, તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયાં હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગુરૂવારે સવારે ૮ વાગ્યાથી બપોરના ૧ર વાગ્યા દરમિયાન વરસેલા વરસાદના આંકડા જોવા જઈએ તો, પાટણમા ૧પ એમએમ, સરસ્વતીમાં ૩૭ એમ.એમ, સિદ્ઘપુરમાં ૪૮ એમએમ, હારીજમા ૬ એમ.એમ, સમીમા ૧૯ એમ.એમ, શંખેશ્વરમાં પ એમ.એમ જ્યારે સાંતલપુર, રાધનપુર અને ચાણસ્મામાં નહિવત વરસાદ નોંધાયો છે.
પાટણ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો છે. જેમાં આજે ગુરૂવારે વહેલી સવારથી જિલ્લા ના અનેક તાલુકામાં વરસાદના ઝાપટા પડી રહ્યા છે. જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડતોમાં ખુશી જોવા મળી રહી છે.
જ્યારે જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા અધિક નિવાસી કલેક્ટરે જિલાના તમામ અધિકારીઓને ચાર દિવસ દરમિયાન હેડક્વાર્ટર ન છોડવા અને વરસાદને લઇ એલર્ટ રહેવા માટેની સૂચના આપી છે. હવામાન વિભાગની આગાહી મુજબ પાટણ સહિત સમગ્ર ઉતર ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ શરૂ થતાં ખેડૂતોનાં વાવેતર કરવામાં આવેલા પાકોને જીવતદાન મળ્યું છે.
તો આજે પડેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતાં કેટલાક વાહનચાલકો બંધ થઈ જવાની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું જેના પગલે ગાડી ચાલુ કરવા ધકકા મારતા પણ કેટલાક લોકો કેમેરામાં કંડારાયા હતા.