ભાદરવા સુદ નોમ નિમિતે આજે ઠેર ઠેર રામાપીરના મંદિરો ખાતે ભાવિક ભકતોની ભીડ જોવા મળી હતી. રાજસ્થાનના યાત્રાધામ રણુંજા સહિત સર્વત્ર રામદેવપીરના મંદિરોમાં શ્રધ્ધા- ભકિતના માહોલમાં બાબા રામદેવપીરને નોમના નેજા ચઢાવવામાં આવ્યા હતાં.
પાટણ અનાવાડા ગામ ખાતેના રામાપીરના મંદિરે આજે હર્ષોલ્લાસ પૂર્વક ગામના મહાદેવના મંદિરેથી રામાપીરની ભજન મંડળી ગાતા નેજાને રામાપીરના મંદિરે લાવી શાસ્ત્રોકત વિધિ પ્રમાણે નેજા ચઢાવાયા હતાં. આ પ્રસંગે ગામમાંથી વાજતે ગાજતે રામાપીરના ભકતો અને ગ્રામજનો દ્વારા નેજાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. અને મંદિર ખાતે પહોંચી બાબાને ધુપ-દીવો અને પ્રસાદ ચઢાવી નેજા ચઢાવાયા હતાં.
મોટી સંખ્યામાં લોકોએ રામાપીરના દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે પુત્ર જન્મ નિમિતેની બાળકને જોખવાની રામાપીરની બાધા-માનતા પણ પુરી કરવામાં આવી હતી. આ પ્રસંગે રામદેવ પીરના ભકતે આજે ભાદરવા સુદ-૯ નિમિત્તે અનાવાડા ખાતે બિરાજમાન રામદેવપીરના સ્થાનકે છેલ્લા પ૦ વર્ષથી પરંપરાગત બાબા રામદેવપીરનું નેજુ શાસ્ત્રોકત વિધિ વિધાનથી ચડાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.