રાષ્ટ્રીય શાયર, કવિ, લેખક, પત્રકાર ઝવેરચંદ મેઘાણીની ૧રપ મી જન્મ જયંતી ઉત્સવની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લાનો કાર્યક્રમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણના કન્વેન્શન હોલમાં જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં અને કુલપતિ ડો. જાબાલી વોરાની ઉપસ્થિતમાં યોજાયો હતો.
’કસુંબીનો રંગ’ ઉત્સવ કાર્યક્રમમાં પાટણના કલાકારોએ ઝવેરચંદ મેઘાણીજી રચિત કાવ્ય, ગીતોનો રસધાર વહાવ્યો હતો.
બલવંતસિંહ રાજપૂતે આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝવેરચંદ મેઘાણીએ કવિતાઓ, શૌર્યગીત અને સાહિત્યની તાકાતથી લોકોનો ઉત્સાહ અને દેશપ્રેમ વધારવામાં આપેલ યોગદાનને ઉલ્લેખનીય લેખાવી નવી પેઢીને ઝવેરચંદ મેઘાણીને વાંચવા અને તેમના જીવન કવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.
ચોટીલામાં જન્મેલા અને પહાડનું બાળક તરીકે ઓળખાતા ઝવેરચંદ મેઘાણીએ બાળ વયે જ સરસ્વતી સાધના શરૂ કરી સાહિત્ય સર્જન સાથે સંસ્કૃતિને જોડવાનું કામ કયું હોવાનું અને ગુજરાતના લોક સાહિત્યને નવી ઊંચાઈ પર પહોંચાડયું હોવાનું જણાવ્યું હતું.
૧૯૩૧માં ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હોવાનું રાજપુતે જણાવ્યું હતું.
તેમણે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આજરોજ મેઘાણી જન્મજયંતીની ઊજવણી થઈ રહી હોવાનું જણાવી ગાંધીનગર ખાતે ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવનનું નિર્માણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ ગ્રંથાલયોમાં મેઘાણીના પુસ્તકોના સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ મેઘાણી પર આધારીત ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, ડીડીઓ રમેશ મેરજા, અધિક નિવાસી કલેકટર એન.ડી.પરમાર, પ્રાંત ઓફિસર સચિનકુમાર, યુનિવર્સીટીના રજિસ્ટ્રાર ડી.એમ.પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા ભવાઈ કલાકાર મુગટલાલ નાયક, જયંતિ નાયક બાલુભાઈ નાયકનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું આયોજન સંકલન જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્ર પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.