Patan : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામનો યુવાન બેચરાજી પાસેના વિઠ્ઠલાપુર ગામે નોકરી શોધવાનું કહી નિકળ્યો હતો. આ યુવાનની લાશ પાટણના ગોલાપુર ગામની સીમમાંથી મળી હતી. લાશ પાસેથી મોબાઈલ અને ઝેરી દવા મળી આવતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ પાટણ તાલુકાના ગોલાપુર ગામની દેના ગ્રામીણ બેંકની સામે આવેલા ઠાકોર લાલાજી કપુરજીનાં ખેતરમાં એક લાશ મળતાં લોકોમાં દોડધામ મચી હતી. જેમાં ઠાકોર દિલીપજી મફાજી એ 4 જૂને ગોલાપુર પોલીસ મથકે જાણ કરતા પીએસઆઇ બી. એસ.ચૌધરી પોલીસ ઘટના સ્થળે પોલીસ સ્ટાફ સાથે પહોંચી તપાસ કરતા યુવકની લાશની બાજુમાં એક મોબાઈલ અને કપાસમાં નાખવાની દવાની બાટલી મળી આવી હતી. ઘટના સ્થળેથી મળેલા મોબાઈલ આધારે તપાસ કરતા મૃતક સરસ્વતી તાલુકાનાં ઉંદરા ગામનો 25 વર્ષિય રોહિતભાઈ સુરેશભાઈ પંચાલ હોવાનુ બહાર આવ્યું હતું.
રાહુલ સુરેશભાઈ પંચાલે યુવકની ઓળખ કરી જણાવ્યું હતું કે આ મારો ભાઈ છે, જે ગત 26 મે નાં રોજ બેચરાજી તાલુકાના વિઠ્ઠલાપુર નોકરીની શોધ માટે જાઉં છું કહી નીકળ્યો હતો. જેની આજે 10 દિવસે આ પરિસ્થિતિમાં ભાળ મળી છે. પોલીસે લાશનું પીએમ કરાવી અગ્નિદાહ માટે વાલી વારસોને આપી અકસ્માતે મોતની નોંધ કરી છે.