પાટણ નગરપાલિકાની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં નગરપાલિકામાં ફરજ બજાવતા હંગામી સફાઈ કર્મચારીઓ ૪૦ જેટલા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવતાં પાલિકાના સફાઈ કર્મચારી મંડળમાં રોષ જોવા મળ્યો હતો.
જેને લઇને સોમવારના રોજ પાટણ નગરપાલિકાના સફાઈ કર્મચારી મંડળ દ્વારા પાલિકા પ્રમુખ સહિત ચિફ ઓફિસરને નગરપાલિકામાંથી હંગામી ધોરણે કામ કરતાં ૪૦ જેટલા સફાઈ કર્મચારીઓને દિવાળી ટાણે જ છૂટા કરવાની બાબતને લઈ રજૂઆત કરવામાં આવી હતી અને છૂટા કરાયેલા કર્મચારીઓને ર૪ કલાકના સમયમાં તાત્કાલિક ધોરણે ફરજ ઉપર પાછા લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાટણ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા તમામ પ્રકારની કામગીરી બંધ કરી દેવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી હતી.
આ બાબતે પાટણ નગરપાલિકાના સફાઈ કર્મચારી મંડળની રજૂઆતને ધ્યાનમાં રાખીને ચીફ ઓફિસર દ્વારા છૂટા કરાયેલા હંગામી તમામ ૪૦ સફાઈ કર્મચારીઓને પોતાના નામ જોગ નગરપાલિકામાં અરજી આપવા જણાવી આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
પાટણ નગરપાલિકાના સફાઇ કર્મચારીઓને છૂટા કરવાની બાબતે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓની નવી ભરતી કરવા ટૂંક સમયમાં જાહેરાત પ્રસારિત કરી કરાર આધારિત સફાઇ કર્મચારીઓની નિમણુક કરાશે તેવી પાટણ નગરપાલિકાના સફાઈ કર્મચારી મંડળને હૈયાધારણા પાલિકા પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી.
અને પાલિકા દવારા કરાર આધારીત છુટા કરાયેલા તમામ ૪૦ કર્મચારીઓની ભરતી કરી તેઓને મળતાં લાભો મળી રહે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવવાનું જણાવ્યું હતું. તો સફાઈ કર્મચારી મહામંડળના આગેવાન પ્રવિણભાઈ ચૌહાણે છુટા કરાયેલા ૪૦ કર્મચારીઓને ચોવીસ કલાકમાં તેઓનો હકક આપવામાં નહીં આવે તો પાટણ શહેરની તમામ કામગીરી બંધ કરી દેવાની ચિમકી ઉચ્ચારી હતી.
જો આમ થશે તો દિવાળી તહેવારોના ટાણે જ પાટણ શહેર ગંદકીના સામ્રાજયમાં ધકેલાઈ જાય તો નવાઈની વાત નહીં.