પાટણ શહેરમાં ૩પ જેટલા કૌશલ્યધારીઓને સ્ટાર્ટઅપ અંતર્ગત એ.સી. રીપેરીંગ ફીટીંગ અને તેને લગતી અન્ય પ્રકારની એક મહિનાની તાલીમ આપી તેઓને આત્મનિર્ભર કરવા માટેનાં પ્રોજેકટનો ગતરોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પાટણની ફતેહસિંહરાવ લાયબ્રેરીનાં વ્યવસ્થાપકો દ્વારા હાલમાં પુસ્તકાલય પ્રવૃત્તિ ઉપરાંત યુવાનોને રોજગારલક્ષી તાલીમો આપવા માટે શરુ કરાયેલ વિવિધ ટેકનીકલ અને કૌશલ્યવર્ધક અભ્યાસક્રમોની શ્રૃંખલામાં ગતરોજ પુસ્તકાલયના દાતા પરિવારના હર્ષાબેન ભરતભાઈ શાહનાં સૌજન્યથી રુ.૪૦૦ની ફી સાથે એક મહિનાના એ.સી. રીપેરીંગ તાલીમ વર્ગનો પ્રારંભ પાટણની બદ્રીદાસની વાડી ખાતે કરાયો હતો.
આ માટે ૩પ તાલીમાર્થીઓને પાટણનાં બે એ.સી. રીપેરીંગના નિષ્ણાંતો કૈલાસભાઈ અને મહેબુબભાઈ તાલીમ આપશે. તાલીમાર્થીઓને તેમની તાલીમ બાદ તેઓ માટે કામની તકો પણ ઉપલબ્ધ કરાવાશે. આ પ્રસંગે પાટણની ફતેહસિંહરાવ લાયબ્રેરીના પ્રમુખ ડો.શૈલેષ સોમપુરાએ સમગ્ર પ્રોજેકટની જાણકારી આપી હતી.