આઝાદીના ઇતિહાસમાં સૌપ્રથમવાર સમગ્ર રાજ્યની સુરક્ષા કરતી પોલીસ પોતાની પડતર માંગણીઓને લઈને રસ્તા ઉપર આવી છે.જેને લઈને સરકાર પણ હચમચી ગઈ છે.
આજે સમગ્ર રાજ્યભર માં પોલીસકર્મીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે અને વિવિધ કાર્યક્રમો આપી રહી છે.ત્યારે પાટણ શહેરમાં આજે પોલીસ કર્મીઓના પરિવારજનો દ્વારા ભદ્ર પોલીસ લાઈનથી બગવાડા દરવાજા સુધી થાળી વેલણ લઈ સરકાર સમક્ષ વિરોધ દર્શાવ્યો હતો.
ત્યારે પોલીસ પરિવારની મહિલાઓ અને બાળકો થાળી વગાડતા એ ડિવીઝન પોલીસ સ્ટેશનની પાછળ ચાચરીયા ખાતેથી પસાર થતાં તેઓને પ્રથમ રોકવાના પ્રયાસો કર્યાં હતા પરંતુ તેઓ ન રોકાતા પોલીસે તમામ મહિલાઓ અને યુવાનોની અટકાયત કરી એ ડિવીઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ પોલીસની નજર ચુકવીને કે પછી પોતાના જ પ્રશ્નોને વાચા મળી રહે તે હેતુથી પોલીસે આંખ આડા કાન કરાતા મહિલાઓ અને બાળકો એ ડિવીઝન પોલીસ મથકેથી ફરાર થઈ બગવાડા સુધી આવી પહોંચી હતી અને બગવાડા દરવાજા ખાતે ધરણા પર બેસી હમારી માંગે પુરી કરો પોલીસનું શોષણ બંધ કરો સહિતના સુત્રોચાર કરવામાં આવ્યાં હતા.
પોલીસના આ આંદોલનને પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ ખુલ્લુ સમર્થન આપવામાં આવ્યું હતું.આ આંદોલનમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર,ભરતભાઇ ભાટીયા પણ જોડાયા હતા.
અને સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવારજનો જોડાયા હતા.અને ત્યારબાદ બગવાડા દરવાજા ખાતે ધરણા કરવામાં આવ્યા હતા.એલ.સી.બી અને એસ.ઓ.જીના પી.આઈ આ આંદોલન સમેટવા અપીલ કરી હતી.તેમ છતાં આ મહિલાઓ ટસનીમસ ના થતાં સિદ્ઘપુર ડી.વાય.એસ.પી. સી.એલ સોલંકી પણ બગવાડા દરવાજા દોડી આવ્યા હતા. ત્યારબાદ ભારે મથામણ બાદ આખરે આંદોલન સમેટાયુ હતું.