ambaji poshi poonam

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે અને કોરોના ફરી કહેર વર્તાવી રહ્યો છે, જેને લઇને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી પોષી પૂનમના કાર્યક્રમો રદ કરવાનું નક્કી કર્યું છે. મંદિર ટ્રસ્ટ અને ધાર્મિક સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, માં જગદંબાનો પ્રાગ્ટ્ય દિવસ પોષી પૂનમની શોભાયાત્રા પણ રદ કરવામાં આવશે.

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણના પગલે આગામી પોષી પૂનમ નિમિતે યાત્રાધામ અંબાજીમાં માતાજીની શોભાયાજ્ઞા અને સાંસ્કૃતિક કાર્યક્રમો નહીં યોજવાનો નિર્ણય કરાયો છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સાથેની બેઠકમાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિની બેઠક બાદ નિર્ણય કરવામાં આવ્યો હતો.

પોષી પૂનમ નિમિતે ગબ્બરથી માતાજીની અખંડ જ્યોત ​​​​​​​મંદિરે લાવવામાં આવશે. યાત્રિકોના ધસારાને લઇ દર્શનના સમયમાં વધારો કરવામા આવશે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સરકારની કોવિડ ગાઈડલાઈન્સ મુજબ દર્શનની વ્યવસ્થા કરાશે. ત્યારે યાત્રિકોને પણ માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

આ અંગે બનાસકાંઠા કલેક્ટરે જણાવ્યું હતું કે, પૂર્ણિમાએ અંબાજી ખાતે માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવણી થતી હોય છે, ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તરફથી વિભિન્ન કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. સ્થાનિક યુવાનો દ્વારા પ્રતિવર્ષ જે શોભાયાત્રા યોજતા હતા તેનું આયોજન બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ જે નિર્ણય લેવાયો છે તેને અમે આવકારીએ છીએ. જે યાત્રાળુઓ દર્શન માટે આવવાના હોય તેઓએ રસીના બંને ડોઝ લીધા હોય તે ઈચ્છનીય છે.