Rajkot
રાજકોટ (Rajkot) માં રામનાથનું મંદિર આજી નદીની વચ્ચોવચ આવેલું છે. તો ગઈકાલે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નાના-મોટા નદીના તેમજ ખોખડદળી નદી અને આજી ડેમનું પાણી આજી નદીમાં આવી ચુક્યું હતું. તેને કારણે આજી નદીમાં જાણે કે પૂર જેવી સ્થિતિ હોય તેવી રીતે પાણીનું વહેણ સીધું રાજકોટ શહેરમાંથી પસાર થતી નદીમાંથી પસાર થયું હતું.
આ પાણીના પ્રવાહને કારણે મંદિરની આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. આ વિસ્તાર મોટેભાગે ગરીબ અને સ્લમ વિસ્તાર છે. તેથી ત્યાં કાચા-પાકા મકાનો પણ આવેલો છે. લોકો વર્ષોથી રામનાથ મંદિરની આસપાસ જ વસવાટ કરે છે. તો ગઈકાલે રાત્રે આજી નદીમાં પાણીનો પ્રવાહ એટલી હદે આવ્યો કે મંદિરમાં થઈ રહેલા બાંધકામના એક સ્લેબ સુધી પાણી પસાર થતું હતું.
રાજકોટની (Rajkot) આજી નદીમાં પાણીનો પ્રવાહ એટલો બધો તો જોરદાર હતો કે, મંદિરની બાજુમાં બે મકાન પાણીના પ્રવાહથી ધરાશાયી થઈ ગયા તો એક જગ્યાએ એક મોટો ભૂવો પણ પડ્યો. મહત્વની વાત એ છે કે, જ્યારે પાણીની સપાટી વધવા લાગી ત્યારે તેની આસપાસના લોકોએ સ્થળાંતર કરી લીધું હતું અને ત્યારબાદ અચાનક જ વધુ પાણીનો ફોર્સ વધતા આ ફોર થી બે મકાન છે તે ધરાશાયી થયા હતા.
આ મકાનમાં રહેતો પરિવાર સવારે જ્યારે પરત ફર્યો ત્યારે તેમણે પોતાનું મકાન ધરાશાયી થયેલું જોયું. મકાનની તમામ ઘરવખરી દબાઈ ચૂકી હતી સવારે તડકો નીકળતા આ પરિવાર તેમનો દબાયેલો જરૂરી સામાન છે તે કાટમાળમાંથી કાઢી રહ્યા છે અને હવે તેમનો આશરો છીનવાઈ જતાં તેઓ કોર્પોરેશન પાસે મદદની પણ માગણી કરી રહ્યા છે.
ગત રાત્રીના આજી નદીમાં એટલું બધું પાણી આવ્યું કે, રામનાથ મંદિર ઉપરાંત આસપાસનો વિસ્તાર એટલે કે રામનાથ વિસ્તાર, ભવાનીનગર સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ચૂક્યા હતા. જોકે નદીમાં પાણીનો પ્રવાહ વધવાની ખબર પડતાં જ ઘણા બધા લોકો જાતે જ પોતાના સગાવાલાને ત્યાં સ્થળાંતરિત થઇ ચુક્યા હતા અને જે લોકો બાકી હતા તેમને કોર્પોરેશન અને પોલીસ દ્વારા સરકારી ઇમારતોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.